પાકિસ્તાનના આર્મી ચીફની ફરી ઠેકડી ઉડી! શેહબાઝ શરીફને આવો ફોટો ભેટ આપતા થયા ટ્રોલ

નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરીને પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો, ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ ‘બુન્યાન-અન-માર્સૂસ’ લોન્ચ કરીને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારતે પાકિસ્તાની સેનાના તમામ હુમલા નિષ્ફળ બનાવ્યા હોવા છતાં, પાકિસ્તાન આર્મીના ચીફ અસીમ મુનીર (Asif Munir) દુનિયા સામે ખોટો દંભ કરી રહ્યા. હવે અસીમ મુનીરને એવી હરકત કરી છે, જે બાબતે ભારત ઉપરાંત પાકિસ્તાનના લોકો પણ તેમની હાંસી ઉડાવી રહ્યા છે.
ઇસ્લામાબાદમાં એક હાઇ-પ્રોફાઇલ ડિનર ઇવેન્ટમાં પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે વડા પ્રધાન શેહબાઝ શરીફ(Shehbaz Sharif)ને એક ફ્રેમ કરેલો ફોટો ભેટમાં આપ્યો હતો. આ સાથે તેમને ભારત પર લશ્કરી કાર્યવાહી ‘બુન્યાન-અન-માર્સૂસ’ માં પાકિસ્તાનનાં વિજયનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો: શાહબાઝ સરકારે પાકિસ્તાનના આર્મી ચીફને આપ્યું પ્રમોશન, જાણો કોણ છે?
સોશિયલ મીડિયા પર મુનીર ટ્રોલ થયા:
આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા યુઝર્સ મુનીરની મજાક ઉડાવી રહ્યા છે. ઈન્ટરનેટ પર ચર્ચા થઇ રહી છે કે આ ફોટો ચાર વર્ષ પહેલા ચીનની લશ્કરી કવાયતનો છે.
સોશિયલ મીડિયા પરની ચર્ચા મુજબ આ તસવીર વર્ષ 2019માં ચીનના સંરક્ષણ મંત્રાલય દ્વારા શેર કરવામાં આવી હતી. આ ફોટો લોંગ રેંજની મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમ્સ PHL-03ના ટેસ્ટીંગ સમયની છે.
ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે આ ફોટો ચીની પીપલ્સ લિબરેશન આર્મી ડ્રીલની ઈન્ટરનેટ પર ઉપલબ્ધ વિઝ્યુઅલ્સમાંથી સીધી કોપી કરીને લેવામાં આવી છે.
X પર એક યુઝરે લખ્યું, “પાકિસ્તાનના પીએમએ હમણાં જ અસીમ મુનીરને 2019 ની ચીની લશ્કરી કવાયતનો ફોટો ભેટમાં આપ્યો – ભારત સામે યુદ્ધ વિજયના ગૌરવનો ઢોંગ કર્યો. બીજી તરફ, ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન ચોકસાઈ અને તાકાત સાથે હુમલાના પ્રમાણિત પુરાવા પ્રદાન કર્યા છે. દંભ, છેતરપિંડી અને ભ્રમ પાકિસ્તાનની રાજ્ય નીતિ રહી છે.”
અહેવાલ મુજબ ઇસ્લામાબાદમાં પાકિસ્તાની સશસ્ત્ર દળોની “અડગ પ્રતિબદ્ધતા” અને “અદમ્ય ભાવના” ને સન્માનિત કરવા માટે એક ડીનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડીનરમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, વડા પ્રધાન શેહબાઝ શરીફ, વિદેશ પ્રધાન ઇશાક દાર અને સેનેટ અધ્યક્ષ યુસુફ રઝા ગિલાનીએ હાજરી આપી હતી.