
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારત પાકિસ્તાન પર ગમે ત્યારે હુમલો કરશે તેવો ફફડાટ પડોશી દેશમાં ફેલાયો છે. ઉરી, પુલવામા, પહલગામ માત્ર શહેરોના જ નામ નથી પરંતુ કાશ્મીરને હડપ કરવાના પાકિસ્તાનના કાવતરાના ભાગ છે. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં પાકિસ્તાની આતંકના અનેક એવા પેજ છે, જેના પરથી આ દેશની ઓળખ આતંકી સંગઠન તરીકે થઈ શકે છે. પાકિસ્તાનના નેતા અને જનરલ આતંકી આકાના રોલ નીભાવી રહ્યા છે.
1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે જમ્મુ-કાશ્મીરમાં 20 ટકા હિન્દુઓ અને 70 ટકાથી વધુ મુસ્લિમો હતા. તે સમયે કાશ્મીર જમ્મુથી લઈ મુઝફ્ફરાબાદ સુધી ફેલાયેલું હતું. ગ્રાઉન્ડ લેવલ પર કાશ્મીરની હાલત 15 ઓગસ્ટ 1947 બાદ કેવી રીતે બદલાઈ રહી હતી તે કૃષ્ણ મહેતાએ તેમના પુસ્તકમાં વર્ણન કર્યું છે. જેમાં તેમણે હુમલામાં તેમનો પરિવાર નાશ થતો જોયો હતો અને આ સ્ટોરીનો પણ તેમાં ઉલ્લેખ કર્યો છે.

કૃષ્ણ મહેતા કાશ્મીરના સંસદ સભ્ય પણ બન્યા હતા. તેણે આઝાદી અને ભાગલા સમયે કાશ્મીરના વઝીર અને આજના પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દુની ચંદ મહેતાના પત્ની હતી. તે સમયે પ્રથમવખત કાશ્મીરમાં પાકિસ્તાને હુમલો કર્યો હતો. સૌથી પહેલા મુઝફ્ફરાબાદમાં સરકારી રહેણાંકને ઘેરવામાં આવ્યું, બાદમાં શહેર પર કબ્જો કર્યો અને પછી ચારેબાજુ હાહાકાર મચાવ્યો હતો. પાકિસ્તાનથી આવેલા હુમલાખોરોનો સામનો કરતી વખતે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દુની ચંદ મહેતાએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. ઘણા દિવસો સુધી કબ્જામાં રહ્યા બાદ કૃષ્ણ મહેતા અને તેમના બાળકો શ્રીનગર પહોંચ્યા હતા.
તેમણે પોતાના પુસ્તકમાં કાશ્મીર હુમલાનું જે વર્ણન કર્યું છે તે વાંચીને રૂવાંડા પણ ઉભા થઈ જાય છે. પુસ્તકમાં લખવામાં આવ્યા મુજબ, જુલાઈ 1947માં મારા પતિ દુની ચંદ મહેતાને કાશ્મીર સરકારે મુઝ્ફરાબાદના વઝીર બનાવ્યા હતા. શ્રીનગરમાં તેઓ આસિસ્ટન્ટ ગવર્નરના પદ પર હતા. જુલાઈમાં તેઓ નવું પદ સંભાળવા માટે શ્રીનગરથી મુઝફ્ફરાબાદ ગયા હતા. પ્રશાસન તફથી ત્યાં એક કર્નલ અને સેનાની ટુકડી હતી. ઘરે મહેમાન આવ્યા હોવાથી તે સમયે હું સાથે જઈ શકી નહોતી. એક મહિના બાદ બાળકો અને હું ત્યાં ગયા હતા. અમારી સાથે મારા બે પુત્ર, બે પુત્રી અને મારી ભત્રીજી હતી. આ તમામની ઉંમર 7 થી 15 વર્ષ વચ્ચે હતી. અમારા રહેઠાણ સ્થાનની આસપાસ ખુલ્લી જગ્યા હતી. અહીંથી થોડે દૂર આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર પોલીસનું મકાન હતું.
અમારા મકાનની નજીકમાં એક મસ્જિદ હતી. આ દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર હોવાથી અમે વ્રત રાખ્યું હતું. બાળકો પણ ત્યાં સેટ થવા લાગ્યા હતા. મારા પતિ હંમેશા કામમાં વ્યસ્ત રહેતા હતા. કર્નલની સાથે અલગ અલગ મોર્ચા પર સતત પ્રવાસ કરતા હતા. મુઝફ્ફરાબાદ તે સમયે કાશ્મીરનું સૌથી સુંદર શહેર હતું. અહીંયાથી કૃષ્ણગંગા નદી નીકળતી હતી. જેને પાકિસ્તાનના કબ્જા વાળી સરકારે પીઓકે બન્યા બાદ નીલમ નદી નામ આપવામાં આવ્યું હતું. 1947માં આ વિસ્તાર ખૂબ સમૃદ્ધ હતો. પરંતુ અચાનક પરિસ્થિતિ વણસવા લાગી હતી.
અમે જ્યાં રહેતા હતા ત્યાં હુમલો કરવામાં આવ્યો અને આગ લગાવી દેવામાં આવી હતી. અમે જીવ બચાવવા ભાગ્યા હતા પરંતુ મહેતા સાહેબ ત્યાં રોકાયા હતા. મુસ્લિમોનું એક ટોળું ત્યાં આવ્યું અને વઝીર સાહેબને જોઈ તમામ બંદૂક બતાવી કહ્યું, કાફિર, પાકિસ્તાન કબૂલ કરો અને તમારા માથા પરથી ટોપી ઉતારો. પરંતુ તેઓ ચૂપ રહ્યા. બાદમાં કહ્યું- તમે હિન્દુ છો કે મુસલમાન. તેમ છતાં મૌન રહ્યા. એટલીવારમાં પડોશમાં રહેતો એક મુસ્લિમ આવ્યો અને વઝીર સાહેબને કહેવા લાગ્યો, કહી દો મુસ્લિમ છું, બચી જશો. તમારા નાના બાળકો છે. કેમ જીવ ગુમાવો છે. થોડીવારમાં તેમણે ફરી પૂછ્યું- તમે હિન્દુ છો કે મુસ્લિમ. આ વખતે વજીર સાહેબે કહ્યું- હું હિન્દુ છું. મુસ્લિમ નથી. પછી બધાએ બંદૂકમાંથી ધડાધડ ગોળીઓ મારી. ત્યાં જ તેઓ ઢળી પડયા બાદમાં રૂમને આગ લગાવી દીધી હતી. આ પછી હું બલિદાનના સમયે તેમની સાથે ન હોવાનો વસવસો કરતી હતી.
આ ઘટના બાદ 22 એપ્રિલે પહલગામમાં પણ આવી જ રીતે ધર્મ પૂછીને પ્રવાસીઓ પર ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેને લઈ ઉપરોક્ત ઘટના ફરી ચર્ચામાં આવી છે.
આપણ વાંચો : ભારત-પાકિસ્તાન વચ્ચેના ટેન્શન વચ્ચે ગૃહ મંત્રાલયે રાજ્યો માટે મોક-ડ્રિલનો લીધો નિર્ણય