NIA કરશે મોટો ખુલાસો? પહેલગામ હુમલાની ચાર્જશીટ તૈયાર, પાકિસ્તાની ષડયંત્રનો પર્દાફાશ થશે

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં થયેલ પહલગામ આતંકી હુમલામાં NIA ટૂંક જ સમયમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. અહેવાલો અનુસાર આ ચાર્જશીટમાં પાકિસ્તાનના ત્રણ આતંકવાદી અને આતંકી સંગઠનના નામનો સમાવેશ થાય છે. ૧૮ સપ્ટેમ્બરના રોજ, જમ્મુની એક કોર્ટે એજન્સીને તપાસ માટે ૪૫ દિવસનો સમય આપ્યો હતો, જે આ અઠવાડિયે સમાપ્ત થઈ રહ્યો છે. ૨૨ એપ્રિલના રોજ આતંકવાદીઓએ બૈસરન ખીણમાં ૨૬ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી.
જો કે NIAએ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી કે, તેઓ તપાસ માટે વધુ સમય અને બાશિર અહેમદ જોથાર, પરવેઝ અહેમદ જોથારના રિમાન્ડ વધારવાની માંગણી કરશે કે નહીં. બાશિર અને પરવેઝની ધરપકડ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને આશરો આપવાના આરોપમાં કરવામાં આવી હતી. આ આતંકવાદીઓમાં સુલેમાન શાહ, હમઝા અફગાની ઉર્ફે અફઘાન અને જિબ્રાનનો સમાવેશ થાય છે.
માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીઓ
મીડિયા અહેવાલો અનુસાર, એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, જમ્મુની એક જેલમાં આ બંનેની ૧૮ ઓક્ટોબરે પૂછપરછ કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું, “ચાર્જશીટ ટૂંક સમયમાં દાખલ કરવામાં આવશે. અમે અત્યારે વધુ કંઈ કહી શકીએ નહીં.” ૨૬ લોકોની હત્યા કરનારા ત્રણેય આતંકવાદીઓને સુરક્ષા દળો દ્વારા ૨૮ જુલાઈના રોજ દાચીગામ જંગલ વિસ્તારમાં ઠાર મારવામાં આવ્યા હતા. ૨૯ જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુષ્ટિ કરી હતી કે આ આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા અને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા.
કોના નામ શામેલ?
એક સમાચારપત્ર સાથેની વાતચીતમાં અન્ય એક અધિકારીએ જણાવ્યું કે ચાર્જશીટમાં લશ્કર અને તેની પ્રોક્સી ટીઆરએફ (TRF)ના નામનો પણ સમાવેશ કરવામાં આવશે. અધિકારીનું કહેવું છે કે NIAને તપાસ દરમિયાન બાશિર અને પરવેઝ પાસેથી પાકિસ્તાની નંબર મળ્યા છે, જે સંપૂર્ણ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં મહત્વપૂર્ણ છે. NIA દ્વારા પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ દરમિયાન ૧,૦૦૦થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી ચૂકી છે.
આ પણ વાંચો…આતંકવાદી પ્રવૃતિઓ સામે મોટી કાર્યવાહી; NIAએ 5 રાજ્યોના 22 સ્થળોએ દરોડા પાડ્યા



