કેરળમાં નાણાકીય છેતરપિંડી બદલ પદ્મશ્રી પુરસ્કાર વિજેતાની ધરપકડ

થ્રિસુર: કેરળના ઉદ્યોગપતિ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સુંદર સી મેનનનીથ્રિસુર જિલ્લામાં કથિત ૭.૭૮ કરોડ રૂપિયાની નાણાકીય છેતરપિંડી બદલ ધરપકડ કરવામાં આવી હતી. રાજ્ય પોલીસની જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ વિંગ દ્વારા રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને સ્થાનિક કોર્ટ દ્વારા રિમાન્ડ મેળવ્યા બાદ તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ૨૦૧૬માં નાગરિક સન્માન પ્રાપ્ત કરનાર મેનનને બે કંપનીઓના નામે લોકો પાસેથી થાપણો સ્વીકારવાના સંબંધમાં નાણાકીય છેતરપિંડીના ૧૮ કેસો દાખલ કરાયા બાદ તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી.
તેણે કથિત રીતે ૬૨થી વધુ રોકાણકારો પાસેથી રૂ. ૭.૭૮ કરોડ સ્વીકાર્યા હતા, પરંતુ સ્કીમની પાકતી મુદત પછી પૈસા પરત કર્યા નહોતા. આરોપીઓએ પાસેથી થાપણો સ્વીકારીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નિયમોનું ઉલ્લંઘન કરીને અને પાકતી મુદત પછી પણ રકમ પરત ન કરીને છેતરપિંડી કરી હતી, એમ પોલીસ નિવેદનમાં જણાવાયું છે.
બૅનિંગ ઑફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ એક્ટ મુજબ, મેનન અને ફર્મના અન્ય ડિરેક્ટરોની મિલકતો ફ્રીઝ કરવામાં આવી છે, અને તેમને જપ્ત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે, એમ પોલીસે ઉમેર્યું હતું. સિત્તેર વર્ષના મેનન તિરુવમ્બાડી દેવસ્વોમના પ્રમુખ પણ છે, જે પ્રખ્યાત થ્રિસુર પુરમના આયોજકોમાંના એક હતા.