પ. બંગાળ અને પંજાબમાં ઈન્ડિયા બ્લૉકને ફટકો
લોકસભાની ચૂંટણી રાજ્યમાં અલગથી લડવાની મમતા બેનરજી અને ભગવંત માનની જાહેરાત
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સુપ્રીમો મમતા બેનરજીએ તેમ જ પંજાબના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી ‘આપ’ના નેતા ભગવંત માને પણ રાજ્યમાં લોકસભાની ચૂંટણી અલગથી-એકલેહાથે લડવાની બુધવારે કરેલી જાહેરાતથી વિપક્ષ ઈન્ડિયા બ્લૉકને ફટકો પડ્યો છે.
રાહુલ ગાંધીના વડપણ હેઠળ ‘ભારત જોડો યાત્રા’ પ. બંગાળમાં પ્રવેશે તેનાં એક દિવસ અગાઉ મમતા બેનરજીએ આ જાહેરાત કરી હતી.
બેઠકની ફાળવણી અંગે અમે કૉંગ્રેસને પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ તેમણે એ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો એમ જણાવતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે હવે પ.બંગાળમાં લોકસભાની ચૂંટણી એકલેહાથે લડવાનો પક્ષે નિર્ણય લીધો છે.
મમતા બેનરજીની આ આશ્ર્ચર્યજનક જાહેરાતે કૉંગ્રેસને ઉંઘતી ઝડપી લીધી છે.
બેનરજીનાં નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં ટીએમસીએ કહ્યું હતું કે મમતા બેનરજીની હાજરી વિના ઈન્ડિયા બ્લૉકના અસ્તિત્વની કોઈ કલ્પના પણ ન કરી શકે.
કૉંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે આસામમાં પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે મમતા બેનરજીનો પક્ષ ઈન્ડિયા બ્લૉકનો મુખ્ય સ્તંભ છે.
ટીએમસી અને કૉંગ્રેસ વચ્ચે બેઠકની ફાળવણી અંગે વાતચીત ચાલી રહી હોવાના અહેવાલને નકારી કાઢતાં બેનરજીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ મુદ્દે કૉંગ્રેસ સાથે મારી કોઈ જ વાતચીત થઈ નથી.
બંગાળમાં કૉંગ્રેસ સાથે અમારે કોઈ સંબંધ નહીં હોય એવો નિર્ણય અમે લીધો છે, એમ બેનરજીએ કહ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસે કરેલા દેખાવને ધ્યાનમાં રાખીને ટીએમસીએ કૉંગ્રેસને લોકસભાની માત્ર બે બેઠક ફાળવવાનો પ્રસ્તાવ મુકવાના લીધેલા નિર્ણયને કારણે નેતાઓ વચ્ચે તણાવ ઊભો થયો હતો અને બે બેઠક પૂરતી ન હોવાનું તેમનું માનવું હતું.
માર્ક્સવાદી પક્ષના વડપણ હેઠળનો ડાબેરી મોરચો, કૉંગ્રેસ અને ટીએમસી ૨૮ પક્ષના બનેલા ઈન્ડિયા બ્લૉકનો હિસ્સો છે.
કૉંગ્રેસને દેશભરમાં ૩૦૦ બેઠક પર ચૂંટણી લડવા દો. પ્રાદેશિક પક્ષો એકસાથે છે અને બાકીને બેઠકો પર તે ચૂંટણી લડી શકે છે એમ જણાવતાં મમતા બેનરજીએ કહ્યું હતું કે બંગાળમાં કૉંગ્રેસની દખલગીરી અમે સહન નહીં કરીએ.
ગુરુવારે પ. બંગાળમાં પ્રવેશનારી ‘ભારત જોડો યાત્રા’ અંગે તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસે રાજ્યમાં યાત્રાના પ્રવેશ તેમ જ સમયપત્રક અમને જાણ નથી કરી. હું આ યાત્રાથી અજાણ છું, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)