વંદે ભારત અને રાજધાની જેવી ટ્રેનો કોની માલિકીની Indian Railway કે પછી ખાનગી કંપનીની? | મુંબઈ સમાચાર
નેશનલ

વંદે ભારત અને રાજધાની જેવી ટ્રેનો કોની માલિકીની Indian Railway કે પછી ખાનગી કંપનીની?

ભારતીય રેલવે (Indian Railway) છેલ્લાં કેટલાક સમયથી પોતાની સુવિધા અને ટેક્નોલોજીને વધારવા માટે અનેક મહત્ત્વના પગલાં લીધા છે અને એમાં વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ જેવી અનેક હાઈ સ્પીડ તેમ જ પ્રીમિયન ટ્રેનોનો સમાવેશ થાય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે ખરું કે આ શાનદાર ટ્રેનોનો માલિકી હક કોનો છે? શું આ ટ્રેનો કોઈ પ્રાઈવેટ કંપનીની માલિકીની છે કે પછી સરકારની જ સંપત્તિ છે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

સૌથી પહેલાં વાત કરીએ વંદે ભારત એક્સપ્રેસની. ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણ છે કે આ ટ્રેનને પહેલાં ટ્રેન 18ના નામથી પણ ઓળખવામાં આવતી હતી. આ ટ્રેન સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઈન અને ડેવલપ કરવામાં આવી છે. ચેન્નઈ ખાતે આવેલી ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં આ ટ્રેન બનાવવામાં આવી છે. મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ આ ટ્રેનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટ્રેનની માલિકી સંપૂર્ણપણે ભારતીય રેલવે પાસે જ છે અને તેનું સરકાર દ્વારા સંચાલન કરવામાં આવ્યું છે.

વાત કરીએ શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસ જેવી ભારતીય રેલવેની પ્રીમિયમ ટ્રેનોની તો આ બંને ટ્રેનો પણ ભારતીય રેલવે દ્વારા દોડાવવામાં આવે છે. 1988માં શતાબ્દી એક્સપ્રેસ ભારતીય રેલવે દ્વારા પહેલી વખત દોડાવવામાં આવી હતી. જ્યારે 1969માં ભારતીય રેલવે દ્વારા પહેલી વખત રાજધાની એક્સપ્રેસ દોડાવવાનું શરૂ કરવામાં આવી. આ ટ્રેનો દોડાવવાનો રેલવેનો હેતુ ઝડપી, આરામદાયક અને એક્યુરેટ ટ્રાવેલ ટાઈમની સુવિધા પૂરી પાડવાનો હતો. આ બંને ટ્રેનોનું સંચાલન અને મેનેજમેન્ટ પણ સંપૂર્ણપણે રેલવેના આધીન છે.

અનેક લોકોનું એવું માનવું છે કે આ પ્રીમિયમ ટ્રેનોનું સંચાલન કોઈ ખાનગી કંપનીના હાથમાં છે, પરંતુ હકીકત એ છે કે વંદે ભારત, શતાબ્દી અને રાજધાની એક્સપ્રેસ બધી ટ્રેનોનું સંચાલન સરકારી નિયંત્રણ હેઠળ છે. આ ટ્રેનોની ટિકિટ બુકિંગ, મેઈન્ટેનન્સ, સંચાલન અને વિકાસ સાથે સંકળાયેલા તમામ કામો ભારતીય રેલવેના વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

ભવિષ્યમાં ભારતીય રેલવે કેટલીક ટ્રેનોના સંચાલન માટે પ્રાઈવેટ પાર્ટનરશિપની યોજના બનાવી શકે છે, પરંતુ હાલ તો વંદે ભારત, રાજધાની અને શતાબ્દી જેવી પ્રમુખ ટ્રેનો ભારતીય રેલવેની છે અને સરકારી સંપત્તિ તરીકે દેશવાસીઓની સેવા કરી રહી છે.

આપણ વાંચો:  એક એવું ગણેશ મંદિર જ્યાં બાપ્પા આખા પરિવાર સાથે બિરાજમાન છે, 700 વર્ષ જૂનો છે ઇતિહાસ…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button