ઓવૈસીએ મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મુદ્દે કહ્યું કે…..
મથુરા: અલહાબાદ હાઈ કોર્ટે ગુરુવારે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહની સર્વેની અરજી સ્વીકારી હતી. અને કોર્ટે આ સર્વે પર દેખરેખ રાખવા માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવા સંમતિ આપી હતી. હવે આ અંગે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે મથુરા મંદિર-મસ્જિદ વિવાદ દાયકાઓ પહેલા મસ્જિદ સમિતિ અને મંદિર ટ્રસ્ટ વચ્ચે પરસ્પર સંમતિથી ઉકેલાઈ ગયો હતો તો પછી ફરી આ અરજી કેમ.
અલાહાબાદ હાઈ કોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતા ઓવૈસીએ એક્સ પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે એક નવું જૂથ છે. જે આ વિવાદો ઉભા કરી રહ્યું છે. પછી તે કાશી હોય, મથુરા હોય લખનઉના ટીલાની મસ્જિદ હોય, આ અરજીઓ કરનાર એક જ સમૂહ છે.
હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું હતું કે પુજાના સ્થળોનો કાયદો હજુ પણ કાયદો જ છે. પરંતુ આ જૂથે કાયદા અને ન્યાયિક પ્રક્રિયાની મજાક બનાવીને મૂકી દીધી છે. હાઈ કોર્ટે આ મામલાની સુનાવણી નવ જાન્યુઆરીએ કરવાની હતી, તો પછી સર્વેક્ષણનો આદેશ આપવાની ઉતાવળ કેમ કરી? નોંધનીય છે કે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મુદ્દા પર હાઈ કોર્ટે સર્વેના આદેશને મંજૂરી આપી હતી.
તેમજ મથુરા કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ કેસમાં અરજીકર્તાઓએ એવો દાવો કર્યો હતો કે તે એક સમયે હિન્દુ મંદિર હતું. જેના પર આજે મસ્જિદ બનાવવામાં આવી છે. હાઈ કોર્ટના જસ્ટિસ મયંક કુમાર જૈનને જણાવ્યું હતું કે સર્વેની પદ્ધતિ પર 18 ડિસેમ્બરે થનારી આગામી સુનાવણીમાં ચર્ચા કરવામાં આવશે.