બિહારમાં 5 બેઠકો જીતીને ઓવૈસીનો હુંકાર: “ભાજપને રોકવાની જવાબદારી માત્ર મુસ્લિમો જ કેમ ઉઠાવે?”

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની પ્રચંડ જીત અને મહાગઠબંધનની કારમી હારની વચ્ચે એઆઈએમઆઈએમ (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ (Asaduddin Owaisi) આકરા સવાલો ઉઠાવ્યા છે. મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પાંચ બેઠકો જીતીને એઆઈએમઆઈએમએ પોતાની પકડ મજબૂત બનાવી રાખી છે.
2020માં જે ધારાસભ્યો એઆઈએમઆઈએમથી ચૂંટણી જીત્યા હતા તે આરજેડીમાં જોડાઈ ગયા હોવા છતાં પાંચે બેઠકો પર એઆઈએમઆઈએમમી જીત થઈ છે. મીડિયા સાથે વાતચીતમાં ઓવૈસીએ કહ્યું હતું કે, “ભાજપને રોકવાની જવાબદારી માત્ર મુસ્લિમો જ કેમ ઉઠાવે?”
ઓવૈસીએ કહ્યું કે AIMIM ની જીત ત્યાંના લોકોના વિશ્વાસનો પુરાવો છે. તેમના મતે, ફક્ત તેમની પાર્ટીએ સીમાંચલના મુદ્દાઓને પ્રાથમિકતા આપી હતી. ગયા વખતે ધારાસભ્યોના તૂટવા છતાં, લોકો AIMIM ની સાથે ઉભા હતા. તેમણે કહ્યું, “અમે સમજાવ્યું કે સીમાંચલ કેમ પછાત છે અને સ્થાનિક ભ્રષ્ટાચાર શું છે. અન્ય નેતાઓ ફક્ત આકાશવાણી કરી રહ્યા હતા.”
ઓવૈસીએ કહ્યું કે વિપક્ષી પક્ષો મુસ્લિમો પ્રત્યે પ્રામાણિક નથી. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ મુસ્લિમોની ચર્ચા કરવાથી દૂર રહે છે. ફક્ત AIMIM જ મુસ્લિમ નેતૃત્વ અને સીમાંચલના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરે છે. તેમણે પૂછ્યું કે જ્યારે દરેક સમુદાયને નેતૃત્વ મળે છે, તો મુસ્લિમોને કેમ નહીં? ઓવૈસીના મતે, બિહારમાં મુસ્લિમો વસ્તીના 15% છે, છતાં ટિકિટો લોલીપોપની જેમ વહેંચવામાં આવે છે.
ઓવૈસીએ AIMIM સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કરવા બદલ લાલુ યાદવના RJD પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, “તેઓ કહે છે કે જો તેઓ અમારી સાથે જોડાશે તો તેમને હિન્દુ મત નહીં મળે,” તેમણે કહ્યું. “હવે તેમને શું મળ્યું? શું મુસ્લિમો બંધુઆ મજૂર છે? શું ભાજપને રોકવાનો બોજ ફક્ત મુસ્લિમો પર જ છે? ભલે તે સોફ્ટ હોય કે હાર્ડ, હિન્દુત્વ એક જ છે.”
આ પણ વાંચો…બિહારમાં 48 કલાકમાં મોટો ફેરફાર! નીતિશ કુમાર સોમવારે રાજીનામું આપશે, ફરી CM બનવાનું નિશ્ચિત



