ઓવૈસીનો ભાજપને ટોણો, ‘પરીક્ષામાં જય શ્રી રામ લખો તો પણ મળે છે 50 ટકા માર્ક્સ’

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે એક સમાચારનો ઉલ્લેખ કરીને તેમના પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ચાર બાળકોએ પરીક્ષામાં ‘જય શ્રી રામ’ લખ્યું હતું, પરંતુ પરીક્ષકે (Examiner) તેમને 50 ટકા માર્ક્સ આપ્યા હતા.
ઓવૈસીએ તે નામોનો ઉલ્લેખ કરતા કહ્યું કે મને તે ચાર બાળકોના નામ જાણવા મળ્યા છે. આમાં પહેલું નામ નરેન્દ્ર મોદી, બીજું નામ અમિત શાહ, ત્રીજું નામ યોગી અને ચોથું નામ નડ્ડા છે. તેઓએ ભલે કંઈ ન કરે , પરંતુ તેમને મત આપો. કે જો આ લોકો પરીક્ષામાં ‘જય શ્રી રામ’ લખતા હશે તો તેમને 50 ટકા માર્ક્સ મળશે. જો આપણી છોકરીઓ હિજાબમાં જતી હોય તો બોલે છે, અમે તમને પરીક્ષામાં લખવા નહીં દઈએ.
આ અગાઉ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીના મુસ્લિમોને સંપત્તિની વહેંચણી અંગેના તેમના ભાષણને લઈને પર નિશાન સાધ્યું હતું. ઓવૈસીએ કહ્યું કે પીએમ મોદી આવા નિવેદનો કરીને બહુમતી હિંદુ સમાજમાં ભય પેદા કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશની એક યુનિવર્સિટીમાં ફાર્મસીના પ્રથમ વર્ષના ચાર વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન આન્સરશીટમાં જય શ્રી રામ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડીઓના નામ લખ્યા હતા. જોકે, પરીક્ષકે તેમને પાસ કર્યા હતા. આ વિદ્યાર્થીઓએ લગભગ 56 ટકા માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરી હતી.