નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 1 નવેમ્બરે તેલંગાણાના કાલવકુર્થીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે AIMIM પર મોટા આરોપો લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ એવા આક્ષેપ કર્યા હતા કે તેલંગાણામાં AIMIM પાર્ટી ભાજપ પાસેથી પૈસા લઈને ચૂંટણી લડે છે. હવે આ મુદ્દે અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે અને તેમને સવાલ પૂછ્યો છે કે શું તમે અમેઠીની ચૂંટણી મફતમાં હારી ગયા કે તમને હારવાના પૈસા મળ્યા હતા?
ઓવૈસીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી તેમની ધાર્મિક ઓળખ પ્રત્યેની નફરતને કારણે તેમના પર આવા આરોપો લગાવે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી એ વાત જ બોલી રહ્યા છે, જે તેમને લખીને આપવામાં આવી છે.
નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ અમેઠીથી રાહુલ ગાંધીને હરાવ્યા હતા. રાહુલ હાલમાં કેરળના વાયનાડથી સાંસદ છે. તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને રાજ્યના તમામ પક્ષો એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યા છે.
ઓવૈસીએ રાહુલ ગાંધીને સંબોધન કરતા કહ્યું હતું કે, ‘તમે મારા પર આવા આરોપો એટલા માટે લગાવો છો કારણ કે મારું નામ અસદુદ્દીન છે. મારા ચહેરા પર દાઢી છે અને હું કેપ પહેરું છું, એટલે જ તમે મારા પર પૈસા લેવાનો આરોપ લગાવો છો. તમને મારા નામ અને મારી જાત સામે નફરત છે. તમે એવા લોકોને નફરત કરો છો જેઓ દાઢી અને ટોપી પહેરે છે. એટલા માટે તમે મારા પર આક્ષેપો કરો છો. તમારા મિત્ર જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા. તમારા મિત્ર જિતિન પ્રસાદ પણ ભાજપમાં જોડાયા, પરંતુ તમે તેમના પર એવા આક્ષેપો નથી કર્યા કે તેઓએ ભાજપ પાસેથી પૈસા લીધા છે’
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ બુધવારે તેલંગાણામાં તેમની ચૂંટણી રેલીઓ દરમિયાન AIMIM પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની પાર્ટી ભગવા પાર્ટી પાસેથી પૈસા લે છે અને જે જે રાજ્યમાં કોંગ્રેસ ભાજપ સામે લડે છે ત્યાં પોતાના ઉમેદવારો ઉભા કરે છે. તેમણે દાવો કર્યો હતો કે, ” આસામ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા,- અમે જ્યાં પણ ચૂંટણી લડવા જઈએ છીએ, ત્યાં ત્યાં AIMIM પોતાના ઉમેદવારો ઉભા કરે છે. તેમને આમ કરવા માટે ભાજપ પાસેથી પૈસા મળે છે.”
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને