
લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં કુલ 46 જગ્યાઓ પર 12 ફેબ્રુઆરીના રોજ સરકાર દ્વારા રોજગાર મેળા (Rojgar Mela)નું આયોજન થવા જઇ રહ્યું છે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યુવાનો સાથે સંવાદ કરશે અને તેમને નિમણુંક પત્રો સોંપશે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં યુવાનોની મોટાપાયે ભરતી કરવામાં આવી રહી છે, જેમાં રેલવે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, રેવન્યુ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિતના વિભાગોમાં યુવાનોની ભરતી કરવામાં આવશે. અત્યાર સુધીમાં કુલ 11 વખત રોજગાર મેળો યોજાઇ ચુક્યો છે, જેમાં લાખો લોકોને નિમણુક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વખતનો રોજગાર મેળો 12મો હશે, અને લગભગ હાલની કેન્દ્ર સરકારનો અંતિમ રોજગાર મેળો હશે.
રોજગાર મેળા દ્વારા સરકાર લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલા યુવાનોને ખુશ કરવાના પ્રયાસ કરી રહી છે. વિપક્ષ દ્વારા બેરોજગારીનો મુદ્દો ઉઠાવવામાં આવે અને યુવાનોનું ધ્યાન ભટકે તે પહેલા જ રોજગાર-ભરતીમેળો કરીને વિપક્ષ પાસેથી એ મુદ્દો આંચકી લઇને ભાજપે દાવ ઉંધો વાળી દીધો છે.
વર્ષ 2022માં 22 ઓક્ટોબરના રોજ રોજગાર મેળાની શરૂઆત થઇ હતી. પીએમ મોદીએ ગત વર્ષે ડિસેમ્બર સુધીમાં 10 લાખ યુવાનોને રોજગારી આપવાનું એલાન કર્યું હતું. 30 નવેમ્બરે વર્ષ 2023નો અંતિમ રોજગાર મેળો યોજાયો હતો જેમાં 7 લાખ યુવાનોને નિમણુકપત્રો અપાયા હતા.
12 ફેબ્રુઆરીના રોજગાર મેળામાં અનેક કેન્દ્રીય પ્રધાનો તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. બિહારની રાજધાની પટનામાં કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહને પણ જવાબદારી સોંપવામાં આવી છે. પંચકુલામાં અનુરાગ ઠાકુર, લખનૌમાં સ્મૃતિ ઇરાની, સોનેપતમાં ભૂપેન્દ્ર યાદવને જવાબદારી સોંપવામાં આવી છે.