કેન્યામાં બંધ તૂટતાં 40થી વધુનાં મોત
બંધ તૂટ્યો:
કેન્યાના માઈ માહિઉના કામૂચિરિ ગામમાં બંધ તૂટ્યાં બાદ એ વિસ્તારની સાફસફાઈ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો. (એજન્સી)
નૈરોબી: ભારે વરસાદને પગલે પશ્ચિમ કેન્યામાં સોમવારે વહેલી સવારે બંધ તૂટતાં ઓછામાં ઓછા 40 જણનાં મોત થયા હોવાનું પોલીસે કહ્યું હતું.
બંધના પાણી ઘરો પર ફરી વળ્યા હતા અને મોટાભાગના રસ્તાઓ પરનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો.
ગ્રેટ રિફ્ટ વેલીના માઈ માહિઉ વિસ્તારમાં આવેલો ઑલ્ડ કિજાબે ડેમ તૂટી પડતાં કાદવ, પથ્થરો સહિત ધસી આવેલા પાણીને કારણે અનેક ઝાડ તૂટી પડ્યા હતા, એમ પોલીસે કહ્યું હતું.
કેન્યાના સૌથી વ્યસ્ત ગણાતા હાઈવે પર અનેક વાહનો કાટમાળમાં ફસાઈ ગયા હતા.
મોટાભાગના વિસ્તાર પર પાણી ફરી વળ્યું હોવા વચ્ચે અર્ધતબીબી ટુકડીએ ઈજાગ્રસ્તોને સારવાર આપી હતી.
કેન્યામાં પડી રહેલા ભારે વરસાદમાં અત્યાર સુધીમાં 100 કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારે વરસાદને કારણે શાળાઓ પણ હાલપૂરતી બંધ કરી દેવામાં આવી છે.
માર્ચના મધ્યથી વરસાદ કેન્યાને ઘમરોળી રહ્યો છે અને હજુ વધુ વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે કેન્યાના આંતરિક બાબતોના પ્રધાને તમામ જૂના-નવા સરકારી તેમ જ ખાનગી બંધ અને જળાશયોની 24 કલાકમાં ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે.
ચકાસણી કર્યા બાદ લોકોને અન્યત્ર ખસેડી તેમનું પુનર્વસન કરવા અંગે નિર્ણય લેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
પૂર્વ આફ્રિકાનો મોટાભાગનો વિસ્તાર પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. તાન્ઝાનિયામાં 155 કરતાં પણ વધુ લોકોનાં મોત થયા હોવા ઉપરાંત પડોશી બુરુન્ડીમાં બે લાખ કરતા પણ વધુ લોકોને અસર થઈ હોવાનું તેમણે કહ્યું હતું.
રવિવારે રાત્રે એક બૉટ ઉંધી વળી ગઈ હતી. જોકે તેમાં સવાર 23 જણને ઉગારી લેવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ ડઝનેક જેટલા લોકો ગુમ છે.
શનિવારે કેન્યાના મુખ્ય ઍરપોર્ટ પર પૂરના પાણી ફરી વળ્યા હતા જેને પગલે વિમાનોને અન્યત્ર વાળવાની ફરજ પડી હતી. (એજન્સી)