ગરમી પછી વરસાદનો પ્રકોપઃ યુપીમાં વીજળી પડતા એક જ દિવસમાં 38નાં મોત

લખનઉઃ ચોમાસું શરૂ થતાની સાથે જ વીજળીનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લામાં એક જ દિવસમાં વીજળી પડવાથી 38 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવારે વીજળી પડવાથી સૌથી વધુ મોત પ્રતાપગઢમાં થયા છે. આ પછી સુલતાનપુરના લોકો વીજળીનો ભોગ બન્યા હતા. સુલતાનપુરમાં મૃતકોમાં ત્રણ બાળકનો પણ સમાવેશ થાય છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
રિપોર્ટ અનુસાર પ્રતાપગઢમાં 11 લોકોના મોત થયા છે. આ પછી સુલતાનપુરમાં 7, ચંદૌલીમાં 6, મૈનપુરીમાં 5, પ્રયાગરાજમાં 4, ઔરૈયા, દેવરિયા, હાથરસ, વારાણસી અને સિદ્ધાર્થનગરમાં 1-1ના મોત થયા છે.
આ જિલ્લાઓમાં વીજળીના કારણે ડઝનબંધ લોકો ઘાયલ પણ થયા છે. જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન બુધવારે સાંજે ચારથી 6 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. ચંદૌલીમાં મૃતકોમાં 13 અને 15 વર્ષની વયના બે પિતરાઈ ભાઈઓ પણ સામેલ છે.
વીજળી પડવાથી મૃત્યુ પામેલા ચંદૌલીના બે બાળકો માછીમારી કરવા ગયા હતા. સુલતાનપુરમાં 3 બાળકો પર ખેતરમાં ડાંગર રોપતી વખતે વીજળી પડી હતી. આ ઉપરાંત એક મહિલાએ ઝાડ નીચે આશરો લીધો હતો અને વીજળી પડતાં તેણે જીવ ગુમાવ્યો હતો. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ સિવાય બિહારમાં છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશમાં વળતરની પુષ્ટી થઇ નથી.