કવર સ્ટોરી -ધીરજ બસાક
નદીઓ કોઈપણ દેશની લાઈફલાઈન હોય છે. નદીઓથી દેશની અર્થવ્યવસ્થા, સભ્યતા અને નૈસર્ગિક સમૃદ્ધિની જાણકારી મળે છે. ખાનપાન, મનોરંજન અને સંસ્કૃતિનો સ્રોત નદીઓ જ હોય છે. જો આપણે પૌરાણિક સાહિત્ય પર નજર નાખીએ તો ભારતીય નદીઓ, ભારતીય સંસ્કૃતિનો આત્મા છે. ભારતમાં જ્ઞાન, વિજ્ઞાન અને આત્માથી પરમાત્મા સુધીની શોધ નદીઓના કિનારે જ થઈ છે.
આથી જ આખી દુનિયામાં ભારત એવો એકમાત્ર દેશ છે, જે નદીઓને માતા કહે છે, દેવી કહે છે અને તેમની પૂજા કરે છે. કોઈ સંસ્કૃતિ નદીઓ પર એટલી આશ્રિત હોઈ શકે તેનો અંદાજ ભારતની સમૃદ્ધ સનાતન સંસ્કૃતિ પરથી લગાવી શકાય છે. નદીઓના કિનારે વસેલા ઋષિકેશ, હરિદ્વાર, મથુરા, અયોધ્યા, પ્રયાગ, કાશી, ગયા, પટના, નાશિક અને ઉજ્જૈન જેવા શહેરો ભારતીય ધર્મ અને સંસ્કૃતિના ઝગમગતા દીવડા છે. આ બધા ધાર્મિક અને સાંસ્કૃતિક નગરો જાણીતી નદીઓને કિનારે વસેલા હોવાને કારણે જ પેઢીઓથી આપણી સભ્યતાના ગંતવ્ય સ્થળ છે.
ભારતીય સંસ્કૃતિઓમાં નદીઓનું ધાર્મિક અને સાંસ્કૃતિક જ નહીં, ઐતિહાસિક મહત્ત્વ પણ છે. ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી એ ધરતીમાં વહેતી પાણીની ધારાઓ જ નથી, પોતાનામાં એક સભ્યતા અને સંસ્કૃતિને સાથે લઈને ફરતી નદીઓ છે. ગંગાને ભારતીય સંસ્કૃતિની આત્મા માનવામાં આવે છે. આથી જ તેને માતાનો દરજ્જો અપાયો છે. ઉત્તર ભારતમાં તો લોકો આજે પણ ગંગાના સોગન ખાતા હોય છે અને તેમની વાત પર સામાન્ય માનવી તો છોડો અદાલતો પણ વિશ્ર્વાસ રાખે છે. ભારતના ચાર રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મુખ્ય રીતે બંગાળમાંથી પસાર થતી ગંગા ભારતીય સંસ્કૃતિની અમરકથા છે. એવું માનવામાં આવે છે કે નદીઓમાં દેવીઓ અને દેવતાઓનો વાસ હોય છે. ભારતમાં હિંદુ ધર્મના સૌથી મોટા ગ્રંથ મહાભારતનો તો આધાર જ ગંગા છે. દેવવ્રત એટલે કે ભીષ્મ પિતામહની માતા ગંગા જ હતી.
આપણી પ્રાચીન ગંગા અને યમુનાના કિનારે જ મહાન ઋષિઓ, મુનીઓની જ્ઞાન પરંપરાવાળો ઈતિહાસ છે. આ બંનેને કિનારે આધુનિક સભ્યતાના અનેક પડાવ છે. ગીતામાં ભગવાન કૃષ્ણ પોતે નદી અને સમુદ્રની સરખામણી આત્મા અને પરમાત્મા સાથે કરી છે. નદી આત્મા છે. ઉત્તરાખંડમાં ગંગોત્રી ગ્લેશિયરમાંથી નીકળતી ગંગાનો મુખ્ય સ્રોત ગોમુખ છે. ૨૪૮૦ કિલોમીટર લાંબી આ નદી હિમાલયની પવિત્ર કંદરાઓમાંથી નીકળીને મેદાન તરફ વહે છે. ગંગાને ગંગા બનાવનારી તેની સહાયક નદીઓ છે. આ જ કારણ છે કે દેશમાં સૌથી લાંબી અને પહોળી નદી છે. લંબાઈની દૃષ્ટિએ બ્રહ્મપુત્રા નદી ૨૯૯૦ કિલોમીટર લાંબી છે, પરંતુ તે તિબેટના પુરંગ જિલ્લામાંથી નીકળીને માનસરોવર તળાવ નજીક ભારત અને પછી બાંગલાદેશમાં વહે છે, આમ તે સંપૂર્ણ રીતે ભારતમાં વહેતી નદી નથી.
ગંગા ગંગોત્રીથી નીકળે છે, પરંતુ દેવપ્રયાગમાં આવ્યા બાદ તેને ગંગાનું નામ મળે છે. આની પહેલાં તેને ભાગીરથી અથવા અલકનંદા કહેવામાં આવે છે. પ્રયાગમાં પહોંચ્યા બાદ તેમાં બીજી મોટી નદી યમુના ભળી જાય છે અને તેમાં ચંબલ, કેન, બેતવા, શિપ્રા સહિત અડધો ડઝન જેટલી નાની નદીઓ મળી જાય છે. હવે યમુના ગંગાને મળે ત્યારે ગંગા ઘણી વિશાળ અને સમૃદ્ધ જળવાળી નદી અથવા તો નાનો સમુદ્રનું સ્વરૂપ ધારણ કરી લે છે. અલાહાબાદ પછી ગંગાની વિશાળતા જોવા જેવી હોય છે. પુરાણોમાં કરવામાં આવેલા વર્ણન મુજબ અંત:સરિતા સરસ્વતીને પણ માનવામાં આવે છે કે તે પ્રયાગમાં ગુપ્ત રૂપે ગંગામાં ભળી જાય છે. આથી જ પ્રયાગમાં ત્રિવેણી સંગમ હોવાનું કહેવાય છે.
ગંગામાં આગળ ચાલીને અસી અને વરુણા વારાણસીમાં તો બિહારમાં તમસા, રામગંગા, સોન જેવી ઘણી નદીઓ આવીને ભળી જાય છે. આથી જ એવું માનવામાં આવે છે કે ગંગાનું પાણી ક્યારેય સુકાતું નથી. જે દિવસે ગંગાનું પાણી સુકાઈ જશે તે દિવસે દેશનું નસીબ સુકાઈ જશે. પ્રાચીનકાળમાં જ્યારે ઋષિ, મુનિ કોઈ ગૃહિણીને વરદાન આપતા હતા તો કહેતા હતા કે તમારો સુહાગ ત્યાં સુધી અમર રહે જ્યાં સુધી ગંગા-જમુનામાં પાણી છે. હવે યમુના એક સ્થળ બાદ ગંગામાં જ ભળી જાય છે તો ભારતીય ઋષિઓ, મુનિઓના આશીર્વાદ ગંગાને કેન્દ્રિત અને સંબોધિત કરતા હતા. આજે પણ ભારતમાં ખેતી માટે ગંગાનું સમર્પણ અદ્ભુત છે.