નેશનલ

સુરક્ષા ગાર્ડની પત્નીને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ

કોર્ટે સરકારને લગાવી ફટકાર

દિલ્હી હાઇ કોર્ટે કેન્દ્ર સરકાર અને સફદરજંગ હૉસ્પિટલમાં તૈનાત અને કોરોના મહામારીમાં ડ્યુટી દરમિયાન મૃત્યુ પામનાર સુરક્ષા ગાર્ડની પત્નીને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. હાઇ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર એટલો સંકુચિત દ્દષ્ટિકોણ ના અપનાવી શકે કે વડા પ્રધાન ગરીબ કલ્યાણ પેકેજઃ કોરોના મહામારી સમયે ડ્યુટી દરમિયાન ફરજ પર હાજર કાર્યકર્તાઓ માટે વિમા યોજના અંતર્ગત કવર કરવામાં આવે જે કોરોના વોર્ડ અથવા કેન્દ્રમાં તૈનાત હતા.

કોર્ટે નોંધ્યું હતું કે મહામારી સમયે લોકો પોતાનો ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલોમાં ભીડ કરી રહ્યા હતા અને તે સમયે, તે સુરક્ષા રક્ષકો, પેરામેડિકલ કર્મચારીઓ હતા જેમણે હોસ્પિટલોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી અને સાથે સાથે દર્દીઓને યોગ્ય સ્થાને પણ લઈ જતા હતા. તેમણે. માર્ગદર્શક તરીકે પણ કામ કર્યું હતું. તેથી એમ ના કહી શકાય કે સુરક્ષા ગાર્ડો કોરોનાના દર્દીઓ સાથે સીધા સંપર્કમાં નહોતા. કોવિડ -19 વાયરસ હવા દ્વારા ફેલાય છે અને હોસ્પિટલમાં આવતા કોઈપણ દર્દી આ વાયરસથી સંક્રમિત થઈ શકે છે. કોરોના વોર્ડમાં તૈનાત ન કરવામાં આવેલા સુરક્ષા કર્મચારીઓ પણ એક યા બીજી રીતે કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવ્યા જ હતા. કેન્દ્ર સરકાર સંકુચિત અભિગમ અપનાવી આરોગ્ય કર્મચારીઓને કે એ સમયે સેવા આપતા અન્ય કર્મચારીઓને વીમા યોજના’ના લાભોથઈ વંચિત ના કરી શકે.

કોર્ટે જણાવ્યું હતું કે, સરકારની આ યોજના હકીકતમાં એવા વ્યક્તિઓના પરિવારના સભ્યોને લાભ આપવા માટે લાવવામાં આવી હતી, જેમણે કોવિડ-19 રોગચાળાથી પ્રભાવિત હજારો વ્યક્તિઓનું રક્ષણ કરતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આવો સંકુચિત અભિગમ અપનાવવો વાસ્તવમાં યોજનાની ભાવનાની વિરુદ્ધ છે, જેનો ઉદ્દેશ્ય (અસામાન્ય) પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોને તાત્કાલિક રાહત આપવા અને હજારો દર્દીઓના જીવ બચાવવાનો હતો.

દિલ્હી હાઇ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી અને સુરક્ષા ગાર્ડની પત્નીને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button