નેશનલ

ચૂંટણી કમિશનરના રાજીનામાને પગલે વિપક્ષોનો ઊહાપોહ

નવી દિલ્હી: ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાને પગલે વિપક્ષો, ખાસ કરીને કૉંગ્રેસ પક્ષના નેતાઓ ઊહાપોહ મચાવી રહ્યા છે અને રાજીનામાના કારણ અંગે અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે શાસક પક્ષના નેતાઓ સરમુખત્યારની જેમ લોકતંત્ર પર કબજો જમાવવા માગે છે.
કૉંગ્રેસના અન્ય નેતા જયરામ રમેશે સવાલ કર્યો હતો કે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસો પહેલાં જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલે આપેલા રાજીનામાથી અનેક સવાલ થાય છે. એક, શું ગોયલે મુખ્ય ચૂંટણી કમિશનર કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથેના મતભેદથી રાજીનામું આપ્યું? શું હવે તેઓ ભાજપ વતી ચૂંટણી લડવાના છે? વગેરે.
કૉંગ્રેસના મહામંત્રી કે. સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે ગોયલનું રાજીનામું અને તેનો સમય ઘણા પ્રશ્ન ઊભા કરવાની સાથે લોકશાહીમાં પવિત્ર ગણાતી ચૂંટણી પ્રક્રિયા સામે ચિંતા જન્માવે છે.
કૉંગ્રેસ ઉપરાંત અનેક વિપક્ષના નેતાઓએ પણ આ બાબતને ઘણી ગંભીર ગણાવી હતી અને સરકાર પાસે સ્પષ્ટતા માગી હતી.
અશોક લવાસા પછી છેલ્લા ચાર વર્ષમાં અરુણ ગોયલ તેમના પદ પરથી રાજીનામું આપનારા બીજા ચૂંટણી કમિશનર છે. જો કે, જ્યારે અશોક લવાસા હોદ્દા પર હતા, ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર અને સાથી ચૂંટણી કમિશનરો સાથેના તેમના મતભેદોની વાતો સાર્વજનિક હતી. ઓગસ્ટ 2020 માં, લવાસાએ ચૂંટણી કમિશનરના પદ પરથી રાજીનામું આપ્યું. ત્યાર બાદ તેમને એશિયન ડેવલપમેન્ટ બેંકના વાઇસ પ્રેસિડેન્ટના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. અરુણ ગોયલ
1985 બેચ, પંજાબ કેડરના આઇએએસ અધિકારી રહી ચૂક્યા છે. તેમણે 18 નવેમ્બર, 2022 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને બીજા જ દિવસે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી, જેને કારણે વિવાદ ઊભો થયો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે અરુણ ગોયલની નિમણૂકની ફાઇલ મંગાવી હતી અને સરકારને પૂછ્યું હતું કે તેમની નિમણૂક આટલી ઉતાવળમાં કેમ કરવામાં આવી? અરુણ ગોયલ 37 વર્ષથી વધુ સેવા બાદ ભારત સરકારના ઉદ્યોગ મંત્રાલયના સચિવ તરીકે નિવૃત્ત થયા. ચૂંટણી કમિશનર તરીકે તેમનો કાર્યકાળ પાંચ ડિસેમ્બર, 2027 સુધીનો હતો અને તેઓ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રાજીવ કુમારની નિવૃત્તિ પછી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા હોત.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે નવો કાયદો મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની અવધિ) એક્ટ 2023' બનાવ્યો છે. નવા કાયદામાં, ભારતના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઇને ચૂંટણી કમિશનરની નિમણૂકની ભલામણ કરતી પસંદગી સમિતિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. નવી પસંદગી સમિતિમાં વડા પ્રધાન, તેમના દ્વારા નિયુક્ત કેબિનેટ પ્રધાન અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાનો સમાવેશ થાય છે. નવા કાયદાએઇલેકશન કમિશન (સેવાની શરતો અને ચૂંટણી કમિશનર્સના વ્યવસાયનું આચરણ) અધિનિયમ, 1991’નું સ્થાન લીધું છે. જૂના કાયદા હેઠળ, સીજેઆઇને ચૂંટણી કમિશનરની નિમણૂકની ભલામણ કરતી પસંદગી પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button