વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો રોષ વિપક્ષ સંસદમાં ન ઠાલવે: મોદી
નવી દિલ્હી: જનતાએ નકારાત્મકતાને નકારી કાઢી હોવાનું ભારપૂર્વક જણાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં મળેલા પરાજયનો રોષ વિપક્ષ સંસદમાં ન ઠાલવે અને હકારાત્મક વલણ અપનાવી આગળ વધે. આ બાબત વિપક્ષ માટેનું લોકોનું દૃષ્ટિબિંદુ બદલી શકે છે, એમ તેમણે કહ્યું હતું.
શિયાળુ સત્ર અગાઉ સંસદની બહાર સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં મોદીએ કહ્યું હતું કે શિયાળુ સત્ર વિપક્ષ માટે સુવર્ણ તક છે.
દેશની જનતાએ નકારાત્મકતાને જાકારો આપ્યો છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સત્રના આરંભમાં અમે વિપક્ષના મિત્રો સાથે કાયમ વાતચીત કરીએ છીએ અને તમામનો સહકાર માગીએ છીએ.
આ વખતે પણ એ જ પ્રકારની પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું. લોકશાહીનું મંદિર દેશની
જનતાની મહેચ્છાઓ અને વિકસિત ભારતનો પાયો મજબૂત કરવાનો મહત્ત્વનો મંચ છે એમ જણાવી મોદીએ તમામ સભ્યોને પૂરી તૈયારી સાથે આવવાની હાકલ કરી હતી જેથી કરીને ખરડા અંગે સઘન ચર્ચાવિચારણા થઈ શકે અને સારા સૂચનો બહાર આવે, પરંતુ જો ચર્ચા નહિ થઈ શકે તો દેશ આ તમામ ચીજ ગુમાવશે, એમ તેમણે કહ્યું હતું.
જો હું વિધાનસભાની ચૂંટણીના પરિણામોને ધ્યાન પર લઈને જણાવું તો વિપક્ષ માટે આ સુવર્ણ તક છે.
પરાજયનો રોષ સંસદમાં ઠાલવવાની યોજના ઘડવાના બદલે તેમણે આ પરાજયમાંથી બોધપાઠ લેવો જોઈએ. છેલ્લાં નવ વર્ષની નકારાત્મકતાની આદતને છોડીને સત્ર દરમિયાન જો તેઓ હકારાત્મકતા સાથે આગળ વધશે તો દેશની જનતાનો વિપક્ષ માટેનો દૃષ્ટિકોણ બદલાશે. વિપક્ષ માટે નવો દ્વાર ખૂલી શકે એમ હોવાનું મોદીએ કહ્યું હતું.
એ લોકો વિપક્ષમાં છે છતાં હું તેમને સોનેરી સલાહ આપું છું, એમ મોદીએ કહ્યું હતું.
વિપક્ષ હકારાત્મક વલણ સાથે આગળ આવે એવી વિનંતી મોદીએ કરી હતી.
દરેકનું ભાવિ ઉજ્જવળ છે, કોઈએ હતાશ થવાની જરૂર નથી, પરંતુ સંસદની બહાર મળેલા પરાજયનો રોષ સંસદની અંદર ન ઠાલવશો, એમ તેમણે કહ્યું હતું.
પરાજયને કારણે હતાશા અને નિરાશા હશે. તમારા સાથીદારો તેમની તાકાતનું પ્રદર્શન કરવા ઈચ્છતા હશે, પરંતુ લોકશાહીના આ મંદિરને તેનો મંચ ન બનાવશો, એમ મોદીએ કહ્યું હતું.
હું મારા અનુભવને આધારે કહું છું કે વિપક્ષ તેનાં નકારાત્મક વલણમાં જરા ફરક લાવે અને માત્ર વિરોધ ખાતર જ વિરોધ કરવાનું છોડી દે અને રચનાત્મક બાબતોને ટેકો આપે તો તે દેશના હિતમાં હશે, એમ મોદીએ કહ્યું હતું.
યોગ્ય અને જરૂરી હોય તેવા મુદ્દે હકારાત્મક ચર્ચાવિચારણા કરો અને તમે અનુભવી શકશો કે એ પ્રકારની બાબતો પરત્વેનો લોકોનો રોષ અને નારાજગી ધીરે ધીરે પ્રેમમાં પરિવર્તિત થશે, એમ તેમણે કહ્યું હતું.
વિપક્ષ માટે આ સોનેરી તક છે અને તેમણે સંસદમાં સહકાર આપી આ તકનો લાભ લેવો જોઈએ.
રાજકીય દૃષ્ટિએ પણ હું કહેવા માગું છું કે દેશને હકારાત્મક સંદેશો આપવો એ વિપક્ષના પણ હિતમાં જ છે. વિપક્ષની નકારાત્મક અને ધિક્કારની ભાવના ધરાવતી છબી લોકશાહી માટે પણ સારી નથી.
લોકશાહીમાં વિપક્ષ પણ એટલો જ મહત્ત્વનો છે અને તે સક્ષમ હોવો જોઈએ, એમ મોદીએ કહ્યું હતું.
વિકસિત બનવા ૨૦૪૭ સુધી રાહ જોવા લોકો તૈયાર નથી. સમાજના દરેક વર્ગમાં આ જ લાગણી પ્રવર્તી રહી છે.
લોકોની આ લાગણીને માન આપીને સભ્યોએ સંસદની કાર્યવાહી આગળ ચાલવા દેવી જોઈએ એવી મારી વિનંતી છે, એમ મોદીએ કહ્યું હતું. (એજન્સી)