લોકસભા ચૂંટણી 2024: વિપક્ષી ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખવા પર કોર્ટની અંતિમ મુદત

નવી દિલ્હી: વિપક્ષી પાર્ટીઓ દ્વારા પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A. રાખ્યું હતું. આને લઈને દિલ્હી હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનની સુનાવણી કરવા માટે હાઈ કોર્ટે વિપક્ષી ગઠબંધન પાસે જવાબ માગ્યો હતો, પરંતુ હજી સુધી તેમના તરફથી કોઈ જવાબ ન આવતાં આખરે દિલ્હી હાઈ કોર્ટે વિપક્ષી પાર્ટીઓ અને કેન્દ્ર સરકારને નોટિસ જારી કરીને કહ્યું છે કે આ અંતિમ મુદત આપવામાં આવી રહી છે.
દિલ્હી હાઈ કોર્ટે વિપક્ષી પાર્ટીઓ પાસેથી સાત દિવસમાં જવાબ માગ્યો છે અને આ પિટિશનની સુનાવણી 10મી એપ્રિલે નિર્ધારિત કરી છે.
દિલ્હી હાઈ કોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોડાની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી છે. ગિરિશ ભારદ્વાજ નામની વ્યક્તિ દ્વારા વિપક્ષી ગઠબંધન દ્વારા ઈન્ડિયા નામ રાખવામાં આવ્યું તેની સામે પિટિશન કરવામાં આવી હતી.
પોતાની પિટિશનમાં એવી માગણી કરી હતી કે વિપક્ષી પાર્ટીઓને I.N.D.I.A. નામનો ઉપયોગ કરતાં રોકવામાં આવે કેમ કે આ પાર્ટીઓ દેશના નામનો ગેરલાભ ઉઠાવી રહી છે.
ALSO READ : INDIA Alliance: બિહાર સીટ શેરીંગ અંગે સહમતી બની, આરજેડી અને કોંગ્રેસ આટલી સીટ પર લડશે
તેમણે હાઈ કોર્ટને એવી વિનંતી કરી હતી કે 19 એપ્રિલે મતદાનનો પહેલો તબક્કો છે તેથી સુનાવણી વહેલી કરવામાં આવે, જોકે અદાલતે આ વિનંતી નકારી કાઢી હતી.
વિપક્ષી પાર્ટીઓએ ગયા વર્ષના જુલાઈ મહિનામાં પોતાના ગઠબંધનનું નામ I.N.D.I.A. (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ અલાયન્સ) રાખ્યું હતું.
તેમણે બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી વચ્ચેના સંવાદને ટાંક્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષ દેશનું નામ ખેંચીને એવું દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે કે આ લડાઈ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લડાઈ આપણા દેશ સાથે છે. તેમણે એવો તર્ક આપ્યો છે કે આનાથી એવો ભ્રમ નિર્માણ થયો છે કે 2024નો ચૂંટણી જંગ રાજનીતિક પાર્ટીઓ અથવા ગઠબંધન અને આપણા દેશની વચ્ચે થવાની છે.
તેમણે એમ પણ કહ્યું છે કે ગઠબંધનનું નામ દેશના નામ પર રાખવાથી નફરતમાં વધારો થઈ શકે છે અને તેનાથી રાજકીય હિંસા થવાની શક્યતા રહેલી છે.