વિપક્ષનું અમારી સરકારને હટાવવાનું લક્ષ્ય, અમારું લક્ષ્ય ભારતના ઉજજવળ ભવિષ્યનું: મોદી
નવી દિલ્હી: વિપક્ષ દ્વારા સંસદમાં શોરબકોર કરવાના મામલે વડા પ્રધાન મોદીએ મંગળવારે વિપક્ષની આકરી ટીકા કરી હતી. આવી વર્તણૂકથી આગામી ચૂંટણી પછી તેમની સંખ્યા હજુ ઘટશે, જયારે ભાજપના સાંસદોની સંખ્યા વધશે તેવું વડા પ્રધાને ભારપૂર્વક કહ્યું હતું. વડા પ્રધાન મોદીએ ભાજપ સંસદીય બોર્ડની બેઠકને સંબોધન કર્યું હતું. સંસદમાં ઘૂસણખોરી કરવાના કૃત્યનું વિપક્ષી નેતાએ ઉચિત ઠરાવ્યું તે મુદ્દે મોદીએ કહ્યું કે ઘૂસણખોરીની ઘટના જેટલી ગંભીર છે તેટલું જ ગંભીર વિપક્ષી નેતાનું વલણ છે. લોકશાહી અને લોકશાહીના મૂલ્યોમાં માનનારા દરેક વ્યક્તિએ ઘૂસણખોરીની ઘટના વખોડવી જોઇએ તેવું વડા પ્રધાન કહ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે મોદીના વકતવ્યના અંશ જણાવ્યા હતા. મોદીએ પૂછયું કે “લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્ર્વાસ ધરાવનારો પક્ષ સીધી કે આડકતરી રીતે કેવી રીતે ઊચિત કરાવી શકે?
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઘૂસણખોરીના કૃત્યના મુદ્દે બેરોજગારી અને મોંઘવારીને દોષી ગણાવ્યું હતું. વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં વિપક્ષને પછડાટ મળી તે પછી તેઓ હતાશામાં સરી પડયા છે અને સંસદનું કામકાજ ખોરવી રહ્યાં છે તેવું મોદીએ
કહ્યું હતું.