
નિલેશ વાઘેલા
મુંબઇ: સામાન્ય રીતે યુદ્ધ અથવા સરહદે લશ્કરી અથડામણની મોટી ઘટના લાંબો સયમ ચાલે તો અનાજ, ખાદ્યપદાર્થો અને ઇંધણની અછત સર્જાતી હોય છે. તાજેતરમાં નાપાક પાડોશી દેશ સામે શરૂ કરવા પડેલા ઓપરેશન સિંદૂરને કારણે લોકોમાં આ પ્રકારની અછત ઊભી થવાની ગેરસમજ થઇ હોવાથી સરકારી તંત્રો અને ઉપક્રમોએ આ બાબતે સ્પષ્ટતા કરવી પડી છે.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીને કારણે બંને દેશો વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી ગયો છે અને ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે ત્યારે નવી મુંબઇના વેપારી સંગઠન અને મુંબઇના પરા વિસ્તારના કરિયાણા બજારના સંગઠને એવી માહિતી જાહેર કરી છે કે અનાજ કઠોળનો પર્યાપ્ત પુરવઠો હોવાથી ગ્રાહકોએ અછત સર્જાવાનો ભય રાખીને ખરીદી કરવા દોડી જવાની જરૂર નથી.
ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત હોવાના અહેવાલોને જોતાં તાજેતરમાં જ, બુધવારે કેન્દ્રીય ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે દેશના કોઈપણ ભાગમાં ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત નથી અને તેમણે લોકોને અછતની અફવાઓ પર વિશ્ર્વાસ ન કરવા વિનંતી કરી હતી. કરિયાણા બજારના વેપારી નેતાઓએ પણ ગ્રાહકોને ભયભીત થઇ કરીદી કરવા દોડી ના જવા માટે અપીલ કરી છે.
એ જ રીતે, પેટ્રોલ પમ્પની સામે ઈંધણ મેળવવા માટે કતારમાં ઉભા રહેલા લોકોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હોવાથી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને ઇન્ડિયન ઓઇલ કંપનીએ દેશમાં ક્રૂડ ઓઇલની પૂરતી ઉપલબ્ધતા હોવાનું નિવેદન જારી કરતા કર્યું છે કે દેશભરમાં પેટ્રોલનો પૂરતો સ્ટોક છે અને તેની કામગીરી સરળતાથી ચાલી રહી છે.
બીપીસીએલ અને આઇઓસીએલએ લગભગ એકસરખા શબ્દોમાં જાહેર કર્યું છે કે બધા આઉટલેટ્સ પર ઇંધણ અને એલપીજી ઉપલબ્ધ છે, તેથી ગ્રાહકોએ ચિંતા ન કરવી જોઈએ. આ સાથે, ઓઇલ કંપનીએ લોકોને સંપૂર્ણપણે શાંત રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવાની સલાહ આપી છે. આ કંપનીને ઇંધણનો સરળતાથી પુરવઠો પૂરો પાડવામાં મદદ કરશે.
નોંધવું રહ્યું કે, પંજાબના કેટલાક ભાગોમાં મોટાભાગના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સરહદી વિસ્તારોના લોકો આવશ્યક ચીજવસ્તુઓ અને તેલ ખરીદવા માટે ખૂબ જ ઉત્સુક જોવા મળ્યા હતા. ૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનું સાબિત થયા બાદી, સાતમી મેના રોજ, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને નાશ કર્યો.
આ પણ વાંચો આરએસએસ વડા મોહન ભાગવતનું ઓપરેશન સિંદૂર પર નિવેદન, કહ્યું જરૂરી હતું, સેનાને અભિનંદન
ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા આ સંયુક્ત કાર્યવાહી ૧૯૭૧ પછી પહેલી વાર પાકિસ્તાન સામે હાથ ધરવામાં આવી હતી. તણાવ તેની ચરમસીમાએ પહોચ્યો છે. ભારતની આ જવાબી કાર્યવાહી બાદ, પાકિસ્તાન સતત ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, ભારત તેના દરેક હુમલાનો યોગ્ય જવાબ આપી રહ્યું છે. પાકિસ્તાને ભારતના એરબેઝ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે, તેઓ ઘણા સ્થળોએ હુમલો કરી રહ્યા છે. પરંતુ ભારત, પહેલેથી જ સતર્ક છે, પડોશી દેશના દરેક ષડયંત્રનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે.