
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ (POK)માં આવેલા આતંકવાદીઓના 9 ઠેકાણાનો નાશ કર્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને LoC પર ફાયરીંગ શરુ કર્યું હતું, જેમાં 15 ભારતીય નાગરિકોના મૃત્યુના અહેવાલ છે. ભારતીય સેના પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા યુદ્ધવિરામ ઉલ્લંઘન પર નજર રાખી રહી છે. આર્મી ચીફ સતત સ્થાનિક લશ્કરી યુનિટ્સ સાથે સંપર્કમાં છે અને પાકિસ્તાની સેનાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. અહેવાલ મુજબ સેનાના અધિકારીએ કહ્યું કે, ભારતીય લશ્કરી યુનિટ્સને LoC પર પાકિસ્તાની સેના દ્વારા ભારતીય નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવતા ગોળીબારનો જવાબ આપવા માટે કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
નોંધનીય છે કે ભારતીય સેનાએ પાકિસ્તાન અને અને PoKમાં આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા પછી પાકિસ્તાન તરફથી ગોળીબાર શરૂ થયો હતો. પાકિસ્તાની સેનાએ રાતભર પૂંછ, બારામુલ્લા અને રાજૌરી જિલ્લામાં LoC નજીકના ગામડાઓ પર ભારે ગોળીબાર કર્યો હતો.બુધવારે બપોરે 2 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં ગોળીબાર ચાલુ રહ્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. અહેવાલ મુજબ સેનાની જવાબી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા.
આજે રાત્રે પાકિસ્તાની સેના સ્થિતિ વધુ ઉશ્કેરી શકે છે. એવામાં ભારતીય સેનાના અધિકારીઓ પાકિસ્તાની સેનાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.