
નવી દિલ્હી: ગઈકાલે મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર (PoK) માં આવેલા 9 આતંકવાદી કેમ્પ પર રોકેટમારો કરી નષ્ટ કર્યા હતાં. આજે બુધવારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હવાઈ મુસાફરી ખોરવાઈ ગઈ હતી. આજે કુલ 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 25 એરપોર્ટ કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યા હતા.
અહેવાલ મુજબ એર ઇન્ડિયા, ઇન્ડિગો, સ્પાઇસજેટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર અને કેટલીક વિદેશી એરલાઇન્સે વિવિધ એરપોર્ટ પર તેમની સર્વિસ રદ કરી. સિક્યોરિટી એન્ડ એરસ્પેસ પ્રતિબંધોને કારણે બુધવારે સાંજ સુધીમાં ભારતના 25 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જેવા એરપોર્ટ્સ બંધ કરવાની સૂચના જાહેર થયા પછી, 10 મેના રોજ સવારે 05:29 (ભારતીય સમય) સુધી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે.”
પ્રતિબંધોની સૌથી વધુ અસર ઇન્ડિગોને થઇ હતી, એરલાઈને કુલ 165 ફ્લાઇટ્સ રદ કરી હતી. ઇન્ડિગો એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા એરસ્પેસ પ્રતિબંધો અંગેની સૂચનાને કારણે, 10 મે 2025 ના રોજ 05:29 વાગ્યા સુધી બહુવિધ એરપોર્ટ પરથી 165 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.”
ઇન્ડિગો અને એર ઇન્ડિયા બંને અસરગ્રસ્ત મુસાફરોને રિશેડ્યુલિંગ ચાર્જમાં છૂટ અથવા સંપૂર્ણ રિફંડ આપી રહ્યા છે.
આ શહેરોના એરપોર્ટ બંધ રહેશે:
ચંદીગઢ, શ્રીનગર, અમૃતસર, લુધિયાણા, ભુંતર, કિશનગઢ, પટિયાલા, શિમલા, ગગલ, ભટીંડા, જેસલમેર, જોધપુર, બિકાનેર, હલવારા, પઠાણકોટ, જમ્મુ, લેહ, મુન્દ્રા, જામનગર, રાજકોટ, પોરબંદર, કંડલા, કેશોદ, ભુજ, થોઈસ.
આપણ વાંચો : ઓપરેશન સિંદૂરમાં જોવા મળ્યો રાફેલનો દમ, આતંકી કેમ્પોને તબાહ કરવા ભજવી મહત્વની ભૂમિકા