
નવી દિલ્હી: પહલગામમાં નિર્દોષ 26 નાગરિકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ દુશ્મનોને તેમની જ ભાષામાં જવાબ આપ્યો હતો. 6-7 મેની મધરાતે મંગળવારની રાત્રે ભારતીય સુરક્ષા દળોએ ‘ઓપરેશન સિંદુર’ હાથ ધરીને પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકી અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરી દીધા હતા. એરસ્ટ્રાઈકમાં લગભગ 90 જેટલા આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ભારતીય સશસ્ત્ર દળોએ કુલ નવ આતંકી ઠેકાણાંને નિશાન બનાવ્યા હતા.
પાકિસ્તાનનાં પંજાબમાં કટોકટી જાહેર
ભારતીય સેનાની આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે, ત્યારે પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે ભારતના આ હુમલાઓમાં પંજાબ પ્રાંત અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા છે અને 46 જેટલા ઘાયલ થયા છે. એરસ્ટ્રાઈક બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાકિસ્તનના પંજાબ રાજ્યની સરકારે કટોકટી જાહેર કરી દીધી છે. પંજાબના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે.

ધરતી વારંવાર ધ્રૂજી રહી હતી
ઓપરેશન સિંદૂરની અસર PoK ના મુઝફ્ફરાબાદમાં પણ જોવા મળી હતી. સમાચાર સંસ્થાનાં અહેવાલ અનુસાર, જ્યારે અડધી રાત્રે ભારતીય સેના દ્વારા એરસ્ટ્રાઈક કરવામાં આવી ત્યારે મુઝફ્ફરાબાદમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભારતની આ કાર્યવાહીને લઈને ધરતી વારંવાર ધ્રૂજી રહી હતી અને જોરદાર ધડાકા સંભળાઈ રહ્યા હતા. ચારે બાજુ ભયનો માહોલ હતો અને આ દરમિયાન મસ્જિદના લાઉડસ્પીકર દ્વારા લોકોને તેમના ઘરોમાંથી બહાર નીકળીને સલામત સ્થળોએ આશ્રય લેવાની જાહેરાત કરવામાં આવી રહી હતી.
100થી વધુ આતંકીઓને માર્યા
ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં અને POK કબજા હેઠળના કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. ભારતની આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનનું પીએમ મોદીએ મોનીટર કર્યું હતું અને અજીત ડોભાલ સતત તેમના સંપર્કમાં હતા. 22 એપ્રિલ પહલગામમાં થયેલા આતંકી હુમલાથી દેશભરમાં આક્રોશ હતો. બદલો લેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈક દ્વારા ભારતે હિસાબ ચૂક્તે કરી દીધો હતો.
આપણ વાંચો : ભારતના આ ડ્રોને પાકિસ્તાનમાં ઘૂસીને મચાવી તબાહી, જાણો કેમ કહેવાય છે સ્યુસાઈડ ડ્રોન