ટોપ ન્યૂઝનેશનલ

બિગ બ્રેકિંગઃ ભારતીય સેનાનો સપાટોઃ 9 આતંકી કેમ્પ ધ્વસ્ત, 100 આતંકી ઠાર

એલઓસી પાકિસ્તાનની આર્મીના 30-40 જવાન અને અધિકારીઓને ઠાર મરાયા

નવી દિલ્હી: ભારત-પાકિસ્તાન તણાવ અને ઓપરેશન સિંદૂર અંગે આજે ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ભારતીય સેનાના ત્રણેય પાંખ – (થલ) સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ, જળ સેનાના (નેવી) ડીજી નેવલ ઓપરેશન્સ વાઈસ એડમિરલ એએન પ્રમોદ અને વાયુ સેનાના ડીજી એર ઓપરેશન્સ એર માર્શલ એ.કે. ભારતીએ ભાગ લીધો હતો. ત્રણેય વરિષ્ઠ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર સહિત અન્ય બાબતની વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં સેનાની કાર્યવાહીના તમામ પુરાવાઓનો સમાવેશ કર્યો હતો.

આતંકવાદી કેમ્પના સફાયા માટે ઓપરેશન હાથ ધર્યું

સયુંકત પ્રેસ કોન્ફરન્સમાં ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈએ પહલગામ હુમલાની ક્રૂરતા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે પહલગામ હુમલામાં કેટલી નિર્દયતાથી 26 લોકોની હત્યા કરવામાં આવી હતી. તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ સ્પષ્ટપણે આતંકવાદના કાવતરાખોરો અને તેમના ઠેકાણાંને નષ્ટ કરવા માટે હાથ ધરવામાં આવ્યું હતું. અમે સરહદ પારના આતંકી કેમ્પો અને ઇમારતોની ઓળખ કરી હતી. તેની સંખ્યા પણ ઘણી મોટી હતી. ભારતીય સેનાની કાર્યવાહીના ડરથી તેમાંથી ઘણાને પહેલાથી જ ખાલી કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાન ના સુધર્યું: વળતો જવાબ આપવા ભારતીય સેનાને છુટો દોર અપાયો

લશ્કર-એ-તૈયબાના ગઢને તોડી પડાયો

ડીજીએમઓએ આગલ વિગતો આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં 9 કેમ્પ હતા, જેનાથી તમે બધા પરિચિત છો. આપણી વિવિધ ગુપ્તચર એજન્સીઓએ પણ તેની પુષ્ટિ કરી હતી. તે પૈકીના કેટલાક કેમ્પ પાકિસ્તાનનાં કબજા હેઠળનાં જમ્મુ અને કાશ્મીર (PoJK) માં હતા, જ્યારે અન્ય પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હતા. લશ્કર-એ-તૈયબાના ગઢ ગણાતા મુરીદકે જેવા નાપાક સ્થળોએ વર્ષોથી અજમલ કસાબ અને ડેવિડ હેડલી જેવા કુખ્યાત આતંકવાદીઓએ તાલીમ લીધી હતી. 100થી વધુ આતંકવાદી માર્યા ગયા, જેમાં કંદહાર હાઈજેક અને પુલવામાં હુમલામાં સામેલ યુસુફ અઝહર, અબ્દુલ મલિક અને મુદસ્સિર અહમદનો સમાવેશ થાય છે.

100 જેટલા આતંકવાદી ઠાર મરાયા

પ્રેસ કોન્ફરન્સમાં આગળ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે ‘ઓપરેશન સિંદૂર’માં આતંકવાદીના 9 ઠેકાણાંને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવ્યા છે અને 100 જેટલા આતંકવાદીને ઠાર મારવામાં ભારતને સફળતા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય સેનાની કાર્યવાહીના ડરથી આતંકવાદીઓએ ઘણા કેમ્પ પહેલેથી જ ખાલી કરી દીધા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે પાકિસ્તાનના હુમલામાં ભારતને કોઈ નુકસાન થયું નથી. નિયંત્રણ રેખા પર (એલઓસી) પર પાકિસ્તાની આર્મીના 30-40 જવાન અને અધિકારીને ઠાર મારવામાં આવ્યા છે, જ્યારે હુમલાથી બચવા માટે પાકિસ્તાને પોતાના પેસેન્જર વિમાનને ઢાલ બનાવ્યા હતા, પણ ભારતે વિમાનને ટાર્ગેટ બનાવ્યા નહોતા અને પાકિસ્તાનની આર્મીને નુકસાન પહોંચાડ્યું નહોતું.

આ પણ વાંચો: ભારતીય સેનાએ કહ્યું, પાકિસ્તાનના એરબેઝ અને હથિયાર ભંડારને તબાહ કર્યા

આર્મી કે અન્ય કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નથી બનાવાયું લક્ષ્ય

સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુરીદકેના આતંકી કેમ્પ બાદ બહાવલપુર ટ્રેનીંગ કેમ્પમાંના મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવાવમાં આવ્યા હતા. જેનાથી આતંકવાદને સૌથી વધુ નુકસાન પહોંચાડી શકાય તેમ હતું અને આ બે આતંકી કેમ્પોને સફળતાપૂર્વક ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ખોટા દાવાને ખોટા પાડતા અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાની આર્મી અથવા અન્ય કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સેનાએ લક્ષ્ય બનાવવામાં આવ્યું નથી.

પાકિસ્તાનના હુમલામાં ભારતના પાંચ જવાન શહીદ

ભારતીય સેનાએ કહ્યું હતું કે પાકિસ્તાની આર્મીના જવાન શરુઆતમાં અમારા ટાર્ગેટ પર નહોતા અને અમારો ઉદ્દેશ ફક્ત આતંકવાદી ઠેકાણાઓને ખતમ કરવાનો હતો. તેમણે કહ્યું કે જ્યારે પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ (સીઝફાયર)નો ભંગ કરતા ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે અમારા તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો, જેનાથી પાકિસ્તાનની ભયંકર નુકસાન થયું હતું. સેના વતીથી કહ્યું કે અમારું કામ ટાર્ગેટને હીટ કરવાનું છે, જે અમે સારી રીતે કર્યું હતું. જોકે, અમારું લાશ ગણવાનું નહીં. ઓપરેશન વખતે પાકિસ્તાન તરફના ગોળીબારમાં ભારતીય સેનાએ પાંચ જવાનને ગુમાવ્યા હોવાનું જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button