
નવી દિલ્હીઃ ભારતે પહલગામના આતંકવાદી હુમલાનો બદલો લઈને મોટી એર સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાની મીડિયાના દાવા અનુસાર ભારતે મુઝફ્ફરાબાદ સહિત અનેક ઠેકાણે મિસાઈલ હુમલો કર્યો છે, જેમાં અનેકના મોત અને અનેક લોકો ઘવાયા હોવાના અહેવાલ છે. ભારતના હવાઈ હુમલામાં પાકિસ્તાનમાં મોટી જાનહાનિના સમાચાર મળ્યા છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓ અડ્ડાઓ પરના એટેક મુદ્દે ભારતીય નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે, જ્યારે સોશિયલ મીડિયા પર ઓપરેશન સિંદુરને લઈ ચર્ચા જાગી છે. ઓપરેશન અંગે સવારે દસ વાગ્યે ઈન્ડિયન આર્મી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે, એમ આર્મીના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ભારતની એર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં 30નાં મોત
ભારતીય એર ફોર્સ અને આર્મીના સંયુક્ત ઓપરેશન અન્વયે આતંકવાદીઓની છાવણીઓ પર હુમલા કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન અને પાકિસ્તનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) સહિત નવ ઠેકાણાનો સમાવેશ થાય છે. આ હુમલામાં 30 આતંકવાદીઓનો સફાયો બોલાવ્યો છે. મળતી માહિતી અનુસાર ઈન્ડિયન એર ફોર્સે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક માટે બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ કર્યો છે અને એની સાથે સ્ટ્રાઈક માટે રાફેલ વિમાનનો ઉપયોગ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
હુમલાને કારણે લાહોર એરપોર્ટ પર ઈમર્જન્સી જાહેર
ભારતના હુમલાથી અસરગ્રસ્ત બહાવલપુરમાં અફરાતફરી મચી હતી, જ્યાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બીજી બાજુ ભારતના હવાઈ હુમલા પછી લાહોર એરપોર્ટ પર ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી, જ્યારે આગામી 48 કલાક સુધી તમામ ફ્લાઈટ રદ કરી છે, જ્યારે ટાર્ગેટેડ સાઈટસની આસપાસ ચારેબાજુ અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. પાકિસ્તાનમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવ્યા પછી ઘરના સભ્યોમાં ખાસ બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.
ભારતે પાકિસ્તાનનું એફ-16 વિમાન તોડી પાડ્યું
ભારતે લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને પણ વળતો પ્રહાર કરવાની કોશિશ કરી હતી. પાકિસ્તાનનું વિમાન ભારતની અંદર ઘૂસવાની કોશિશ રહ્યું હતું ત્યારે ઈન્ડિયન એર ફોર્સે તોડી પાડ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ મુદ્દે સત્તાવાર કોઈ સમર્થન મળ્યું નથી.
ભારતમાં ઈન્ડિગોની અનેક ફ્લાઈટ્સને અસર
આ હુમલાને લઈને ભારતમાં અનેક એરલાઈન્સે પોતાની ફ્લાઈટ્સ રદ્દ કરી હતી. ઈન્ડિગોએ જણાવ્યું હતું કે ક્ષેત્રમાં હવાઈ ક્ષેત્રની બદલાતી પરિસ્થિતિને કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાળાથી અવરજવર કરનારી ફ્લાઈટ્સ પર અસર પડી છે. ઉપરાંત, બિકાનેરથી આવનારી ફ્લાઈટ્સ પર હવાઈ પ્રતિબંધોને કારણે પ્રભાવિત થઈ છે.