અવકાશમાં ભારતની જાસૂસી ક્ષમતા વધશે, પાંચ વર્ષમાં 52 સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કરશે…

બેંગલુરુ: પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે વિશ્વને તેની આતંક વિરોધી પ્રતિબદ્ધતા અને શક્તિથી વાકેફ કરાવ્યું છે, તો બીજી તરફ તે તેની સંરક્ષણ ક્ષમતાને વધુ વધારવાની યોજના પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે. ભારતીય રાષ્ટ્રીય અવકાશ સંવર્ધન અને અધિકરણ કેન્દ્ર (IN-SPACe) ના ચેરમેન પવન કુમાર ગોએન્કાએ બુધવારે જણાવ્યું હતું કે ભારત આગામી પાંચ વર્ષમાં અવકાશ આધારિત સર્વેલન્સ ક્ષમતાઓને વધારવા માટે 52 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે.
પાંચ વર્ષમાં 52 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે
મળતી વિગતો અનુસાર અવકાશ-આધારિત સર્વેલન્સ ક્ષમતાઓને વધારવા માટે ભારત આગામી પાંચ વર્ષમાં 52 ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સ્થાપિત કરશે. આ માહિતી બુધવારે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACE) ના ચેરમેન પવન કુમાર ગોયન્કાએ આપી હતી. તેમણે કહ્યું કે આ પગલામાં ખાનગી ક્ષેત્રની મજબૂત ભાગીદારી જોવા મળશે.
મજબૂત ક્ષમતા ઉપલબ્ધ પરંતુ વધારવાની જરૂર
ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ 2025 પર સમાચાર સંસ્થા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, “આપણી પાસે પહેલેથી જ ઘણી મજબૂત ક્ષમતાઓ છે. ફક્ત તેને સતત વધારવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે આ યોજનાનો હેતુ સંરક્ષણ ક્ષેત્રની સર્વેલન્સ ક્ષમતાઓમાં વધારો કરવાનો છે. અત્યાર સુધી આ મુખ્યત્વે ઇસરો દ્વારા કરવામાં આવતું હતું. જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ અમે ખાનગી ક્ષેત્રને સામેલ કરીશું.
ઇસરો અને ખાનગી ભાગીદારી
આ ઉપગ્રહો ભારતીય આર્મી, નેવી અને એરફોર્સને દુશ્મનની હિલચાલને ટ્રેક કરવામાં, સરહદોનું નિરીક્ષણ કરવામાં અને લશ્કરી કાર્યવાહી દરમિયાન વાસ્તવિક સમયના સંકલનમાં સુધારો કરવામાં મદદ કરશે. આ અંગે વિગતો આપતા ગોએન્કાએ જણાવ્યું હતું કે 52 ઉપગ્રહોમાંથી અડધા ખાનગી ક્ષેત્ર દ્વારા પહોંચાડવામાં આવશે, જ્યારે બાકીના ઇસરો દ્વારા બનાવવામાં આવશે. જો કે, ગોએન્કાએ સ્પષ્ટતા કરી હતી કે સર્વેલન્સ ક્ષમતાઓને વધુ વધારવાના નિર્ણયો કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સંરક્ષણ દળો દ્વારા લેવાના રહેશે.
તેમણે જણાવ્યું કે ઇસરો પણ ખાનગી ક્ષેત્રને સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV) ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની પ્રક્રિયામાં છે. SSLV ને નાના ઉપગ્રહોને ટૂંકા સમયમાં નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં લોન્ચ કરવા માટે વિકસાવવામાં આવ્યું છે, જે કટોકટીના સમયે સંરક્ષણ દળો દ્વારા જરૂરી એક મહત્વપૂર્ણ ક્ષમતા છે. તે 10-500 કિલોગ્રામ વજનના ઉપગ્રહોને 500 કિલોમીટરની ગોળાકાર ભ્રમણકક્ષામાં લોન્ચ કરવામાં સક્ષમ છે.