આપણું ગુજરાતનેશનલ

Operation Sagar Manthan: જાણો.. ડ્રગ્સ માફિયાઓ પર ગાળિયો કસતા દિલધડક ઓપરેશન”સાગર મંથન” વિષે…

નવી દિલ્હીઃ ભારતને નશામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે દેશમાં એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓ કાર્યરત છે. જોકે, આ પ્રવુતિને વેગ આપવા અને ડ્રગ માફિયાઓ પર ગાળિયો કસવા માટે કેન્દ્ર સરકારે ઓપરેશન”સાગર મંથન” (Operation Sagar Manthan)અમલમાં મૂક્યું છે. જેના પગલે મોટાપાયે ડ્રગ્સનો જથ્થો ઝડપવામાં આવી રહ્યો છે. જેમાં હાલમાં ગુજરાતના પોરબંદરના દરિયાકિનારેથી એનસીબી અને ગુજરાત એટીએસે સંયુક્ત ઓપરેશનમાં 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું. તેમજ આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઓપરેશનને ‘સાગર મંથન-4’ નામ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીમાં બળવો! આ નેતાએ પાર્ટી અને પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું

શું છે ઓપરેશન સાગર મંથન ?

ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડ , એનસીબી અને ગુજરાત પોલીસની એટીએસની ગુપ્તચર શાખાની ટીમ બનાવીને ‘ઓપરેશન સાગર’ મંથન શરૂ કરવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય ગેરકાયદે ડ્રગ્સની દરિયાઈ દાણચોરીને રોકવાનો છે.
આ વર્ષની શરૂઆતમાં ‘ઓપરેશન સાગર’ મંથન શરૂ થયું હતું. જેમાં 3,400 કિલો માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.જેમાં 11 ઈરાની નાગરિકો અને 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે.

ઓપરેશન ‘સાગર-મંથન 1’ હેઠળ 3,300 કિલો ડ્રગ્સ ઝડપાયું

ઓપરેશન સાગર મંથન એકદમ સફળ સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ NCB,ભારતીય નૌકાદળ, ગુજરાત પોલીસે સંયુક્ત રીતે 3,300 કિલો ડ્રગ્સનું જંગી કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું હતું. તેમજ હિંદ મહાસાગરમાં પાંચ વિદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસેથી કોઈ ઓળખપત્ર મળી આવ્યું ન હતું. ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર આ ડ્રગ્સ દક્ષિણના રાજ્યોમાં લઈ જવાનું હતું. પરંતુ ઓપરેશન ‘સાગર-મંથન 1’ હેઠળ તેમની યોજનાને નિષ્ફળ બનાવામાં આવી હતી.

માર્ચમાં 62 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કરાયું

જ્યારે તેની બાદ 8 માર્ચ 2024 ના રોજ એક ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન ‘સાગર મંથન-2’ શરૂ કરવામાં આવ્યું
હતું. NCB,ભારતીય નૌકાદળ, ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં અરબી સમુદ્ર મારફતે ભારતમાં લાવવામાં આવતો 62 કિલો મેથામ્ફેટામાઈન જપ્ત કર્યો હતો. પાકિસ્તાની નાગરિક હોવાની શંકાના આધારે છ લોકોની અટકાયત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જપ્ત કરાયેલ ડ્રગ્સ મેથામ્ફેટામાઇન પંજાબ અને તેની આસપાસના
વિસ્તારોમાં મોકલવાનું હતું.

આંતરરાષ્ટ્રીય કન્સાઇનમેન્ટ સામે કાર્યવાહી કરી

જ્યારે હાલમાં શુક્રવારે ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસ અને અન્ય એજન્સીઓએ માદક દ્રવ્યોના મોટા આંતરરાષ્ટ્રીય કન્સાઇનમેન્ટ સામે કાર્યવાહી કરી હતી. જેમાં દરિયામાં 700 કિલો મેથામ્ફેટામાઇન જપ્ત કરવામાં આવી છે. NCB અધિકારીઓના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલ ડ્રગ ‘મેથામ્ફેટામાઇન’ની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2,500-3,500 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.

આ પણ વાંચો : 1700 કરોડનાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા 8 ઈરાની નાગરિકોનાં રિમાન્ડ મંજૂર

‘સાગર મંથન-4’ માં 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

એનસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડ્રગ્સ વહન કરતા અને ભારતીય જળસીમામાં પ્રવેશતા અનરજિસ્ટર્ડ જહાજોને રોકવા માટે ગુપ્ત માહિતીના આધારે ‘સાગર મંથન-4’ નામનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શંકાસ્પદ જહાજની ઓળખ કરવામાં આવી હતી અને નૌકાદળે શુક્રવારે તેને અટકાવી દીધું હતું અને 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ઓપરેશન NCB,નેવી અને ગુજરાત પોલીસના એટીએસ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button