નેશનલ

ઑપરેશન અજય અંતર્ગત દિલ્હી પહોંચી પાંચમી ફ્લાઇટ

268 ભારતીય અને 18 નેપાળી નાગરિક આવી પહોંચ્યા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલથી ભારતીય નાગરિકોને લઈને પાંચમી ફ્લાઈટ ભારત આવી પહોંચી છે. સ્પાઈસ જેટની આ ફ્લાઈટ 286 મુસાફરોને લઈને આવી છે, જેમાં 18 નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારે યુદ્ધ લડી રહેલા ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ભારતીયો તેમના વતન પરત ફરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પાંચમી ફ્લાઇટ ભારત પહોંચી હોવાની જાહેરાત કરી હતી. તેમણે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કરતા માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્ય મંત્રી એલ મુરુગનની તસવીરો પણ શેર કરી હતી.


અગાઉ સ્પાઇસજેટ એરક્રાફ્ટ A340 સોમવારે જ પરત ફરવાનું હતું, પરંતુ રવિવારે તેલ અવીવમાં ઉતર્યા પછી, વિમાનમાં તકનીકી સમસ્યા સર્જાઇ હતી. ખામીને દૂર કરવા માટે પ્લેનને જોર્ડન રવાના કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિમાન લોકોને લઈને મંગળવારે તેલ અવીવથી ભારત પરત ફર્યું હતું.

ઈઝરાયલમાં હમાસના હુમલા બાદ જે ભારતીય નાગરિકો તેમના ઘરે પરત ફરવા માગે છે તેમની સુવિધા માટે 12 ઓક્ટોબરથી ઑપરેશન અજય અંતર્ગત વિશેષ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે પહેલાથી જ જાહેરાત કરી હતી કે બેન ગુરિયન એરપોર્ટ પરથી વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે.

ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “ઓપરેશન અજય હેઠળ, ભારતીય નાગરિકો કે જેઓ હજી પણ ઇઝરાયલમાં છે અને ભારત પરત ફરવા માંગે છે તેઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તરત જ આ પોસ્ટ સાથે જોડવામાં આવેલું ટ્રાવેલ ફોર્મ પૂર્ણ કરે.” ભારતીય દૂતાવાસે માર્ગદર્શિકા પણ જારી કરી છે કે ‘ઓપરેશન અજય’માં મુસાફરીના સ્લોટ ‘વહેલો તે પહેલો’ના ધોરણે ફાળવવામાં આવી રહ્યા છે.


ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે ઇઝરાયલ દૂતાવાસ પણ ભારતના તમામ નાગરિકો જેઓ ભારત પરત ફરવા માગે છે, તેમને સુવિધા આપવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે આ મુસાફરોના પરત આવવાનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. ઈઝરાયલથી પ્રથમ ચાર્ટર ફ્લાઈટમાં 212 ભારતીયો આવ્યા હતા, જ્યારે 235 ભારતીય નાગરિકોની બીજો બેચ શનિવારે સવારે પરત આવ્યો હતો.


અત્યાર સુધીમાં ઈઝરાયલથી કુલ 918 ભારતીય નાગરિકોને ભારત લાવવામાં આવ્યા છે. આશરે 18,000 ભારતીય નાગરિકો ઇઝરાયલમાં રહે છે અને કામ કરે છે, જેમાં સંભાળ રાખનારાઓ, વિદ્યાર્થીઓ, ઘણા આઇટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button