ઓડિશામાં ખુલી આ મહાકાય પ્રાણી માટે રેસ્ટોરન્ટ, મેનુ જોઇ ચકિત થઇ જશો

ભુવનેશ્વરઃ તમે નીત નવી નવી ઉઘડતી જતી રેસ્ટોરેન્ટ વિશે જાણતા જ હશો. મુંબઇ જેવા શહેરમાં તો ચાઇનીઝ પીરસતી, નોન વેજ, વેજ પીરસતી કે નોર્થ ઇન્ડિયાન/સાઉથ ઇન્ડિયન વેરાયટી પીરસતી કે પીઝા/બર્ગ/સેંડવીચીઝ જેવા ફાસ્ટફૂડ પીરસતી અનેક રેસ્ટોરન્ટ મોજુદ છે, જે તમારા ટેસ્ટ બડની તરસ છિપાવે છે, પણ આજે આપણે વાત કરવી છે એક એવી અજબ રેસ્ટોરન્ટની જે માત્ર વેજ ખાવાનું પીરસે છે, પણ તે મનુષ્યો માટે નથી. આ રેસ્ટોરન્ટ હાથીઓ માટે છે.
ઓડિશાની રાજધાની ભુવનેશ્વર નજીક ચાંદકા વન્યજીવ અભયારણ્યમાં હાથીઓ માટે એક નોખી રેસ્ટોરન્ટ ખોલવામાં આવી છે, જેમાં માત્ર હાથીઓને ખવડાવવામાં આવે છે. આ રેસ્ટોરન્ટ ફક્ત તે હાથીઓ માટે છે જેમને વન અધિકારીઓ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટમાં હાથીઓને નિશ્ચિત સમયે બ્રેકફાસ્ટ અને લંચ આપવામાં આવે છે અને તેમને તાલીમ પણ આપવામાં આવે છે.
આ અનોખી રેસ્ટોરન્ટનો મુખ્ય હેતુ હાથીઓને તેમની તાલીમ માટે જરૂરી પૌષ્ટિક ખોરાક આપવાનો છે. સવારના પહેલા હાથીઓને મોર્નિંગ વોક અને હળવી કસરત કરાવવામાં આવે છે. ત્યાર બાદ 8:30 વાગ્યે હાથીઓને નાસ્તો આપવામાં આવે છે જેમાં કેળા, નારિયેળ, ગાજર, શેરડી અને તરબૂચ જેવા ફળોનો સમાવેશ થાય છે. બપોરે 1:30 થી 2:30 વાગ્યાની વચ્ચે ગ્રેનાઇટ પ્લેટમાં લંચ પીરસવામાં આવે છે. બપોરના ભોજનમાં ઘઉં, બાજરી, મકાઈનો લોટ, ચણા, ગોળ, હળદર, એરંડાનું તેલ અને મીઠું ભેળવીને બનાવવામાં આવે છે. આ પહેલા હાથીઓને એક કલાક સુધી સ્નાન કરાવવામાં આવે છે.
એક નવ અધિકારીએ જણાવ્યું હતું કે રોજના એક હાથીને તાલીમ આપવા અને ખવડાવવા માટે આશરે રૂ. 1,500નો ખર્ચ થાય છે. આ હાથીઓને કુમકી હાથી બનવાની તાલીમ આપવામાં આવી રહી છે. કુમકી હાથીઓનો ઉપયોગ જંગલોમાં વાઘ પર નજર રાખવા માટે થાય છે. તો હવે જ્યારે તમે ઓડિશાની મુલાકાતે જાવ તો આ અભયારણ્યની અને તેમાં આવેલી રેસ્ટોરન્ટની મુલાકાત જરૂરથી લેજો.