ગોવા સરકાર વિરુદ્ધ પોસ્ટ કરવી ઉદ્યોગસાહસિકને પડી મોંઘી, થયો કેસ
ગોવામાં પર્યટનમાં ઘટાડા વિશે સોશિયલ મીડિયા પોસ્ટ પર વાત કરવી એક ઉદ્યોગસાહસિકને મોંઘી પડી છે, કારણકે આ પોસ્ટ વાયરલ થયા બાદ ગોવા પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે. ગોવા પર્યટન અંગે રામાનુજ મુખરજી નામના સોશિયલ મીડિયા યુઝરે મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતને ખુલ્લો પત્ર લખ્યો હતો. આમાં તેણે કહ્યું હતું કે પ્રવાસીઓ ગોવામાં તેમના છેતરાયાનો અનુભવ કરે છે.
સીએમ સાવંતને લખેલા તેમના પત્રમાં મુખરજીએ લખ્યું છે કે, “તમારા પ્રવાસન વિભાગે ગોવામાં પર્યટનમાં ઘટાડાના આંકડા શેર કરવા બદલ મારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી છે, જેનાથી આ ચર્ચા શરૂ થઈ છે. મારી સામે આરોપ છે કે મેં ખોટા ડેટાનો પ્રસાર કર્યો, જેને કારણે સ્થાનિક વ્યવસાયિકોમાં ડર અને ભયનું વાતાવરણ ઊભું થયું છે અને તેમને પરેશાની ભોગવવી પડી છે. તેથી મારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે 5 નવેમ્બરના રોજ મુખરજીએ એક પોસ્ટમાં 2019 થી 2023 દરમિયાન ગોવામાં આવેલા વિદેશી પર્યટકોની સંખ્યામાં ભારે ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિદેશી પ્રવાસીઓ ગોવા રાજ્ય છોડી ચૂક્યા છે. રશિયન અને બ્રિટિશ જેઓ અહીંની વાર્ષિક મુલાકાત લેતા હતા તેમણે તેના બદલે શ્રીલંકા જવાનું પસંદ કર્યું છે.
તેમના દ્વારા શેર કરાયેલ ડેટા અનુસાર, ગોવામાં 2019માં 80 લાખ સ્થાનિક પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા. તે વર્ષે 85 લાખ વિદેશીસહેલાણીઓએ પણ ગોવાની મુલાકાત લીધી હતી. જો કે, સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 2023 સુધીમાં 80 લાખ પર સ્થિર રહી છે, જ્યારે વિદેશી પ્રવાસીઓનું આગમન નાટકીય રીતે ઘટીને માત્ર 15 લાખ થઈ ગયું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની આ પોસ્ટ તેમણે રજૂ કરેલા ચોક્કસ ડેટા કરતાં લોકો દ્વારા શેર કરવામાં આવેલી લાગણીઓ દ્વારા વધુ પ્રેરિત છે. ગોવા એક આકર્ષક પર્યટન સ્થળ છે અગાઉ પ્રવાસીઓ અહીં વારંવાર મુલાકાતે આવતા હતા, પણ હવે તેમની સાથે દુર્વ્યવહાર થાયછે અને તેમને છેતરાયાનો અનુભવ થાય છે.
મુખરજીએ એમ પણ લખ્યું હતું કે સાવંત સરકારના અધિકારીઓએ અગાઉ 2024 નાતાલ અને નવા વર્ષની સિઝન દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો સ્વીકાર્યો હતો, જે દર્શાવે છે કે તેમણે ઉઠાવેલો મુદ્દો સાવ ખોટો નથી.
પત્રના અંતમાં, તેમણે સીએમ પ્રમોદ સાવંતને પ્રવાસન માટે લાંબા ગાળાના ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી હતી.
મુખરજીની આ પોસ્ટ વાયરલ થયા બાદ ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ગોવાની તેમની મુલાકાતો અંગેના અનુભવ શેર કર્યા હતા અને તેઓ છેતરાયા હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી.