પીએમ મોદીની નીતિઓથી ફક્ત અમીરોને ફાયદો: પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે રાજસ્થાનના ટોંક જિલ્લામાં એક જનસભાને સંબોધન કરતી વખતે ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું વડા પ્રધાનની નીતિઓ ગરીબોને નહિ શ્રીમંતોને ફાયદો કરાવવા માટેની છે. પીએમ મોદી વિદેશ જાય છે અને પરત આવીને કહે છે કે આપણું સન્માન વધ્યું, આપણને પાછળથી ખબર પડે છે કે તેઓ તો વિદેશમાં તેમના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો કરાવવા જાય છે.
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કરતા કહ્યું કે પીએમ મોદી જ્યારે વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેમના ઉદ્યોગપતિ મિત્રો માટે સોદા કરે છે. તેઓ તેમના મિત્રોના હિતને પ્રજાના હિત કરતા વધારે પ્રાધાન્ય આપે છે. ભાજપનો એકમાત્ર હેતુ સત્તાનું કેન્દ્ર બની રહેવું છે જ્યારે ગરીબો અને મધ્યમવર્ગની કેન્દ્ર સરકારને કોઇ ચિંતા નથી.
પ્રિયંકાએ આગળ જણાવ્યું હતું કે હું અહીં રાજસ્થાનમાં એક વ્યક્તિને મળી જેમણે રાજસ્થાન સરકારની યોજના હેઠળ મોબાઇલ ફોન મળ્યો હતો. જ્યારે રાજ્ય સરકાર પાસેથી તમને કોઇ વસ્તુ મળે તો એવું ન માનશો કે સરકારે કંઇ આપ્યું છે. એ વસ્તુ મેળવવી એ તમારો અધિકાર છે. લોકતંત્રમાં જનતા જ સર્વોપરિ હોય છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું હિમાચલમાં જ્યારે સફરજનના વેપારીઓ સફરજન વેચવા ગયા તો અદાણીએ સફરજનના ભાવ વધારી દીધા, લોકો જ્યારે સીમેન્ટ ખરીદવા ગયા તો સીમેન્ટના ભાવ વધારી દીધા, લોકોએ જ્યારે જૂની પેન્શન યોજના માંગી રહ્યા છે ત્યારે મોદી સરકાર નથી આપી રહી. કારણકે તેમની પાસે જે પૈસા છે તેમાંથી તેઓ તેમના શ્રીમંત મિત્રોનું દેવું માફ કરી રહ્યા છે. જ્યારે તેઓ અમીરોને કંપનીઓ વેચે છે ત્યારે નુકસાન કોનું થાય છે? જ્યારે જૂની પેન્શન યોજના બંધ કરાઇ ત્યારે કોનું નુકશાન થયું?
LPGને લઇને સરકારને ઘેરતા તેમણે કહ્યું કે દેશમાં ગેસ સિલિન્ડર 1000 રૂપિયાનો છે, આટલી મોંઘવારીમાં રાજસ્થાન સરકાર તમને 500 રૂપિયામાં સિલિન્ડર આપી રહી છે. દેશમાં આ સ્થિતિ કેમ આવી? જ્યારે દુનિયાભરમાં તેલ કંપનીઓ નફો કમાઇ રહી છે તો અહીં તેલ આટલું મોંધું કેમ છે? જ્યારે સરકારનું ધ્યાન સત્તા ટકાવવામાં જ હોય ત્યારે તે લોક કલ્યાણ પર ધ્યાન ન આપી શકે. શું તમે એવી સરકાર ઇચ્છો છો જે ફક્ત અમીરો માટે જ કામ કરતી હોય?