ઑનલાઈન ગેમિંગમાં નાની કે મોટી કમાણી કરી હોય તો સરકારને કહી દેજો, નહીંતર…

ઑનલાઈન ગેમિંગથી કમાણી કેટલી થઈ તેનો ભલે આંકડો નહીં હોય, પરંતુ પરિવારના પરિવાર બદબાદ થઈ ગયા છે તે વાત નક્કી છે. દારૂ-જુગાર જેવી જ આ લત જેમને લાગી છે તે અને તેમના પરિવારો રાતે પાણીએ રોયા છે, ઘણા કેસમાં ગેમ રમી પૈસા ગુમાવનારે આત્મહત્યા કરી લીધી છે.
ભલે મોડી તો મોડી પણ કેન્દ્ર સરકાર આ મામલે જાગી છે અને પૈસાની લેતીદેતીવાળી ઑનલાઈન ગેમ્સ પર નિયંત્રણ મૂકવા એક કાયદો લાવવામાં આવી રહ્યો છે. આ કાયદાની ઝપેટમાં તમે પણ આવી શકો છો, આથી તમારે પણ નિયમો સમજી લેવા પડશે અને તે પ્રમાણે વર્તવું પડશે.
જે લોકોએ ડ્રીમ11, રમી, લુડો જેવી ઓનલાઈન ગેમ્સથી કમાણી કરી છે તેમની માટે જાણવા જેવું છે. જો તમે આ ગેમિંગ એપ્સ પર પણ પૈસા કમાયા છો, તો તમારે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું પડશે. આવકવેરા કાયદામાં ભલે આ બાબતને સ્પષ્ટ ઉલ્લેખ ન હોય પણ જો તમે ઓનલાઈન રિયલ મની ગેમિંગથી પૈસા કમાયા છો, તો ITR ફાઇલ કરવું જરૂરી છે.
કર નિયમો અનુસાર, આવી ગેમ્સમાંથી થતી કમાણીની જાણ કરવા માટે ITR ફાઇલ કરવું જરૂરી છે. જો તમે ITR ફાઇલ નહીં કરો, તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.

જાણો નિયમો અને અનુસરો
જો આખા વર્ષમાં TDS અથવા TCS 25,000 રૂપિયાથી વધુ હોય, તો તમારે ITR ફાઇલ કરવી પડશે, તેમ નિયમ 12BA જણાવે છે. ઓનલાઈન ગેમ્સમાંથી પૈસાની થતી દરેક આવક પર TDS કાપવામાં આવે છે. તેથી, આવી કમાણીની જાણ કરવા માટે ITR ફાઇલ કરવું જરૂરી છે. ITRમાં ઓનલાઈન ગેમિંગ માટે એક અલગ કોલમ આપવામાં આવી છે, જેમાં ફક્ત જીતેલી રકમ પર જ કર વસૂલવામાં આવશે.
આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 115BBJ હેઠળ, ઓનલાઈન રીઅલ મની ગેમિંગથી થતી આવક પર 30% નો ફ્લેટ ટેક્સ વસૂલવામાં આવે છે. કોઈ છૂટ અથવા નુકસાન ઘટાડવાની કોઈ જોગવાઈ નથી. જો કોઈ વ્યક્તિ ઓનલાઈન રીઅલ મની ગેમિંગથી કમાણી કરે છે અને તેની કુલ કરપાત્ર આવક રૂ. 2.5 લાખથી ઓછી હોય, તો તેણે પણ આ આવક ITR માં દર્શાવવી જરૂરી છે. પછી ભલે તમે સાવ નજીવી એવી રૂ.100 કે 1000ની કમાણી પણ કરી હોય તો તમારે સરકારને જણાવવું પડશે, તેમ ટેક્સેશન સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવાનું છે.
આમ કરવાથી કોઈ હેરાનગતિ નહીં થાય
તમે ઓનલાઈન ગેમિંગથી એક રકમ કમાતા હો અને તમારી અન્ય કોઈ આવક ન હોય તો પણ તમારે ITR ફાઈલ કરી તમારી આવકની જાણ કરવી જોઈએ. જો તમારો ગેમ ઑપરેટર જાણ કરી ટીડીએસ કાપતો હોય તો લગભગ કોઈ કાર્યવાહી ન થાય, પરંતું તમે આઈટીઆર ફાઈલ કરી એકદમ સુરક્ષિત થઈ જાઓ છો.
માનો કે ITRમાં ઓનલાઈન ગેમિંગમાંથી મેળવેલી આવક દર્શાવતા નથી, તો આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. કલમ 276CC હેઠળ, જો તમે જાણી જોઈને આવકવેરા રિટર્ન ફાઇલ કરતા નથી, તો તમારી સામે પગલાં ભરવામાં આવશે. આથી ઑનલાઈન ગેમિંગની જાળમાં ફસાશો નહીં અને જો ફસાયા હો તો સરકારના નવા નિયમોનનું પાલન કરજો.
આ પણ વાંચો…રાષ્ટ્રપતિની મંજૂરી પછી ઓનલાઈન ગેમિંગ ‘કાયદો’ લાગુઃ જાણો નિયમોના ભંગ કરનારાનું શું થશે?