નેશનલ

ઓનલાઇન ગેમિંગ કંપનીઓ ૨૮ ટકા જીએસટી લેશે

નવી દિલ્હી: ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પહેલી ઑક્ટોબરથી બૅટના સંપૂર્ણ મૂલ્ય પર ૨૮ ટકા જીએસટી ચાર્જ કરશે, જ્યારે વિદેશમાંની આવી કંપનીઓએ ભારતમાં કામ કરવા માટે જીએસટી રજિસ્ટ્રેશન (નોંધણી) કરાવવું પડશે.

નાણાં મંત્રાલયે સેન્ટ્રલ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટી કાયદાની જોગવાઇઓમાંના સંબંધિત સુધારાનો અમલ પહેલી ઑક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

આમ છતાં, ઇ-ગેમિંગ કંપનીઓએ જણાવ્યું હતું કે હજી અનેક રાજ્યે પોતાના રાજ્યના સ્ટેટ જીએસટી (એસટીએસટી) કાયદામાંના સુધારા પસાર નથી કર્યા, એવા સંજોગમાં કેન્દ્ર સરકારનું સીજીએસટી અને આઇજીએસટીને લગતું જાહેરનામું ગૂંચવણ ઊભી કરશે.

ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી) એક્ટ (ધારા)માંના સુધારાને લીધે વિદેશમાંના ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સે ભારતમાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે અને સ્થાનિક કાયદા મુજબ ૨૮ ટકા જીએસટી ભરવો પડશે.

જો વિદેશમાંની ઇ-ગેમિંગ કંપની ભારતમાં રજિસ્ટ્રેશન નહિ કરાવે અને કરવેરાની ચુકવણી માટેની કાયદાની જોગવાઇને નહિ અનુસરે તો તેઓની ઍક્સૅસ બ્લૉક કરવાની (અટકાવવાની) સુધારિત કાયદામાં જોગવાઇ છે. જીએસટી કાઉન્સિલે જુલાઇ અને ઑગસ્ટમાં મળેલી પોતાની બેઠકમાં આ સુધારાને બહાલી
આપી હતી. જીએસટી કાઉન્સિલમાં કેન્દ્ર અને રાજ્યોના નાણાં પ્રધાનોનો સમાવેશ થાય છે. જીએસટીનો સુધારિત કાયદો ઓનલાઇન ગેમિંગ, કેસિનો અને ઘોડાની રેસ (દોડ)માંના બૅટિંગને લાગુ પડે છે અને તેઓએ સંપૂર્ણ બૅટ વેલ્યૂ (મૂલ્ય) પર ૨૮ ટકા જીએસટી ભરવો પડશે.

સંસદે ગયા મહિને સેન્ટ્રલ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટી લૉઝ (કાયદા)માંના સુધારા પસાર કર્યા હતા અને તેને પગલે છઠ્ઠી સપ્ટેમ્બરે કંપનીઓને સંબંધિત સૂચના અપાઇ હતી. નાણાં મંત્રાલયે જીએસટીના સુધારિત કાયદાનો અમલ પહેલી ઑક્ટોબરથી કરવાનો નિર્ણય લીધો હતો.

ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશને મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે દેશના અંદાજે ૧૫ રાજ્યે પોતાના રાજ્યના જીએસટી કાયદામાં સુધારા નથી કર્યા અને તેથી સુધારિત કાયદાના અમલમાં ગૂંચવણ ઊભી થશે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button