વન નેશન, વન ઈલેક્શન અશક્ય છે! કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો દાવો
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયા કોલોનીથી ‘વન નેશન, વન ઈલેક્શન’ (One Nation, One election) અને સેક્યુલર સિવિલ કોડ લાગુ કરવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ વડાપ્રધાન મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “વડાપ્રધાન મોદીએ જે પણ કહ્યું છે, તે તેઓ નહીં કરે. સંસદમાં બધાને વિશ્વાસમાં લેવા પડશે, તો જ તે શક્ય બનશે. વન નેશન, વન ઈલેક્શન અશક્ય છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એકતા નગરમાં કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને 149મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમણે વન નેશન વન ઈલેક્શનનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું, “અગાઉ ભારતમાં અલગ અલગ ટેક્સ સિસ્ટમ હતી, પરંતુ અમે વન નેશન વન ટેક્સ સિસ્ટમ, GST બનાવી. અમે વન નેશન વન પાવર ગ્રીડ સાથે દેશના પાવર સેક્ટરને મજબૂત બનાવ્યું.”
વડા પ્રધાને કહ્યું કે, “અમે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ દ્વારા ગરીબોને આપવામાં આવતી સુવિધાઓને એકીકૃત કરી છે. અમે આયુષ્માન ભારતના રૂપમાં દેશના લોકોને વન નેશન વન હેલ્થ ઈન્સ્યોરન્સની સુવિધા આપી છે. એકતા માટેના અમારા આ પ્રયાસોના અંતર્ગત હવે અમે વન નેશન વન ઇલેક્શન તરફ કામ કરી રહ્યા છીએ, જે પરિણામે ભારતની લોકશાહીને મજબૂત કરશે.”
વડાપ્રધાને ઉનીફોર્મ સિવિલ કોડ વિષે કહ્યું કે, “આજે ભારત વન નેશન સિવિલ કોડ એટલે કે બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યું છે…ભારતની ભાષાઓને પ્રોત્સાહન આપીને અમે એકતાના બંધનને મજબૂત કર્યું. નવી શિક્ષણ નીતિ તેનું ઉત્તમ ઉદાહરણ છે.”
વડાપ્રધાને કહ્યું કે, “સરદાર સાહેબને મારી આ સૌથી મોટી શ્રદ્ધાંજલિ છે. બાબા સાહેબ આંબેડકરનું બંધારણ 70 વર્ષ સુધી આખા દેશમાં લાગુ થયું ન હતું. જે લોકો બંધારણનું નામ જપે છે તેઓએ તેનું અપમાન કર્યું.”