નવી દિલ્હીઃ લોકસભામાં વન નેશન-વન ઇલેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે આ બિલ રજૂ કર્યું હતું. આ બિલને ‘બંધારણ (129મો સુધારો) બિલ 2024’ નામ આપવામાં આવ્યું છે. બિલ રજૂ થતાં જ વિપક્ષે તેનો વિરોધ શરૂ કરી દીધો હતો. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળો આ બિલના વિરોધમાં આવ્યા છે. તેમનું માનવું છે કે આ બિલ ચૂંટણી પંચને ગેરબંધારણીય સત્તા આપશે.
સૌથી પહેલા આ બિલના વિરોધ કરનારા પક્ષોની વાત કરીએ તો કોંગ્રેસ, એસ.પી (સમાજવાદી પાર્ટી), મમતા બેનરજીની ટીએમસી. કેજરીવાલની આમ આદમી પાર્ટી, તમિળનાડુની ડીએમકે, સીપીએમ (માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી), ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને નાના-મોટા પ્રાદેશિક પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો.
આ બિલની તરફેણ કરનારા પક્ષની વાત કરીએ તો ભાજપ (ભારતીય જનતા પાર્ટી), જેડીયુ (જનતા દળ-યુનાઈટેડ), ટીડીપી (તેલુગુ દેશમ પાર્ટી), એકનાથ શિંદેની શિવસેના, ચિરાગ પાસવાનની એલજેપી, માયાવતીની બસપા (બહુજન સમાજ પાર્ટી), અને આસામ ગણ પરિષદે આ બિલનું સમર્થન કર્યું હતું.
શિવસેના અને ટીડીપીએ શું કહ્યું?
શિવસેનાના શ્રીકાંત શિંદેએ વન નેશન વન ઈલેક્શનને સમર્થન આપીને કહ્યું હતું કે કોંગ્રેસને રિફોર્મ શબ્દથી નફતર છે, ત્યારબાદ વિપક્ષ તરફથી ગૃહમા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે ડીડીપીના કેન્દ્રીય પ્રધાન ચંદ્રશેખર પેમ્માસાનીએ વિના શરતે બિલને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજકીય પક્ષોની ચૂંટણીનો ખર્ચ એક લાખ કરોડને પાર થયો છે, તેથી એકસાથે ચૂંટણી યોજવી જોઈએ.
ગૃહ પ્રધાન અમિત શાહે શું કહ્યું?
ગૃહ પ્રધાન અમિત શાહે પ્રસ્તાવ પર ચર્ચા કરીને ટીઆર બાલુની ડિમાન્ડનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે બિલ જ્યારે કેબિનેટમાં આવ્યું ત્યારે વડા પ્રધાને કહ્યું હતું કે આ બિલને જેપીસીને મોકલવું જોઈએ અને વિસ્તૃત ધોરણે સ્ક્રૂટિની કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે સમય બરબાદ કર્યા વિના જેપીસીને મોકલવું જોઈએ.
આ પણ વાંચો : આવતીકાલે લોકસભામાં રજૂ થઈ શકે છે વન નેશન વન ઈલેક્શન બિલ, ભાજપે વ્હીપ જારી કર્યું…
પ્રિયંકા ગાંધીએ કહ્યું બંધારણ વિરોધી
દરમિયાન કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ આ બિલનો વિરોધ કર્યો છે અને જણાવ્યું છે કે આ બિલ બંધારણ અને સંઘવાદની વિરુદ્ધ છે. કૉંગ્રેસના સાંસદ મનિષ તિવારીએ પણ લોકસભામાં આ બિલનો વિરોધ કરી સરકારને આ બિલ પાછું ખેંચવા જણાવ્યું હતું.
સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ પણ બિલનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે લોકો બંધારણની વાત કરે છે તેઓ ફરીથી બંધારણની વિરુદ્ધ જઈ રહ્યા છે. આ સરમુખત્યારશાહી તરફનું પગલું છે.
ડીએમકેએ કહ્યું બે તૃતિયાંશ બહુમતી નથી
આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ પણ આ બિલના વિરોધમાં છે. ટીએમસીના સાંસદ કલ્યાણ બેનરજીએ કહ્યું હતું કે આ રાજ્ય વિધાનસભાઓની સ્વાયત્તતા છીનવી લેવાનો પ્રયાસ છે. ડીએમકેના નેતા ટીઆર બાલુએ સવાલ કર્યો હતો કે જ્યારે સરકાર પાસે બે તૃતિયાંશ બહુમતી નથી ત્યારે તેણે આ બિલ સંસદમાં રજૂ કેવી રીતે કર્યું હતું.