નેશનલવેપાર

Quality Work મુદ્દે હવે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ આપ્યું નિવેદન કે…

નવી દિલ્હી: ગત વર્ષે ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવા માટે તૈયાર રહેવા સલાહ આપી હતી, ત્યાર બાદ સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા કરવામાં આવી હતી. તાજેતરમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના ચેરમેન એસ. એન. સુબ્રમણ્યને(S. N. Subrahmanyan) અઠવાડિયામાં 90 કલાક કામ કરવાનું નિવેદન આપીને ફરી ચર્ચા જગાવી છે. આ બધા વચ્ચે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કામના કલાકો અંગેના આ વિવાદ અંગે (Anand Mahindra about work hour debate) નિવેદન આપ્યું હતું.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં તેમણે હાજરી આપી હતી, અ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ખાસા એક્ટીવ રહે છે, તેઓ મનોરંજક અને પ્રેરણાદાયી પોસ્ટ કરીને યુવાનોમાં લોકપ્રિય બન્યા છે. તેથી તેમને યુવાનોને સંબોધવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું હતું.

ગુણવત્તા પર ધ્યાન આપો:
શનિવારે એક કાર્યક્રમમાં આપેલા એક નિવેદનમાં તેમણે કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરો, તેની માત્રા પર નહીં, કારણ કે દુનિયા 10 કલાકમાં પણ બદલાઈ શકે છે.

આનંદ મહિન્દ્રાએ કહ્યું, “મારું માનવું છે કે આપણે કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કામની માત્રા પર નહીં. તમે 40 કલાક કામ કરો, 70 કલાક કે 90 કલાક, તમે 10 કલાકમાં દુનિયા બદલી શકો છો, એ મહત્વનું છે, કામની ગુણવત્તા સૌથી મહત્વપૂર્ણ છે.”

કંપનીમાં આવા લોકોની જરૂરત:
આનંદ મહિન્દ્રાએ કહ્યું કે તેઓ હંમેશા માને છે કે તમારી કંપનીમાં એવા લોકો હોવા જોઈએ જે સમજદારીપૂર્વક નિર્ણયો લે. તો પ્રશ્ન એ છે કે: કેવા પ્રકારનું મગજ યોગ્ય નિર્ણયો લે છે? તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે એક એવું મગજ હોવું જોઈએ જે સર્વાંગી રીતે વિચારે, જે વિશ્વભરમાંથી આવતા સૂચનોને સ્વીકારે અને વિચારે.

પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો:
તેમણે કલા અને સંકૃતિના મહત્વ પર ભાર મુક્યો. તેમણે કહ્યું કે એન્જિનિયર અને MBA જેવા બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોએ કલા અને સંસ્કૃતિનો અભ્યાસ કરવો જોઈએ જેથી તેઓ વધુ સારા નિર્ણયો લઈ શકે.

મહિન્દ્રાએ પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકતા કહ્યું, “જો તમે ઘરે તમારા પરિવાર સાથે સમય વિતાવતા નથી, જો તમે મિત્રો સાથે સમય વિતાવતા નથી, જો તમે વાંચતા નથી, જો તમારી પાસે ચિંતન-માનન કરવાનો સમય નથી, તો તમે નિર્ણય લેવામાં યોગ્ય ઇનપુટ્સ કેવી રીતે લાવશો?”

એક ઉદાહરણ આપતા આનંદે કહ્યું, “આપણે નક્કી કરવું પડશે કે ગ્રાહક કારમાં શું ઇચ્છે છે. જો આપણે આખો સમય ઓફિસ બેસી રહીએ, આપણે આપણા પરિવાર સાથે સમય ના વિતાવીએ, અન્ય લોકો સાથે સમય ના વિતાવીએ ત્યારે આપણે કેવી રીતે સમજી શકીએ કે લોકો શું ખરીદવા માંગે છે? તેઓ કેવા પ્રકારની કારમાં સવારી કરવા માંગે છે?”

Read This Also…રાયપુરમાં મોટી દુર્ઘટના ઘટી; બહુમાળી ઇમારત ધરાશાયી થતા 2 શ્રમિકોના મૃત્યુ…

આનંદ ‘X’ પર આટલો સમય કેમ વિતાવે છે:
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આનંદ મહિન્દ્રાના ફોલોઅર્સ વારંવાર તેમને પૂછે છે કે તેમની પાસે કેટલો સમય છે અને તેઓ કામ કરવાને બદલે સોશિયલ મીડિયા પર આટલો બધો સમય કેમ વિતાવે છે. આનો જવાબ આપતા તેમણે કહ્યું, “હું એકલો છું એટલા માટે સોશિયલ મીડિયા પર ‘X’ પર નથી. મારી પત્ની ખૂબ જ સુંદર છે, મને તેને જોવાનું ખૂબ ગમે છે, હું તેની સાથે વધુ સમય વિતાવું છું. હું ‘X’ પર મિત્રો બનાવવા નથી આવ્યો. હું X પર એટલા માટે છું કારણ કે લોકો સમજી શકતા નથી કે આ કેટલું અદ્ભુત ટૂલ છે, મને એક જ પ્લેટફોર્મ પર 1.1 કરોડ લોકો પાસેથી રીએક્શન મળે છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button