અયોધ્યાના એરપોર્ટની પહેલી ફ્લાઇટમાં ઇન્ડિગોના કેપ્ટને કર્યું કેકથી સ્વાગત

અયોધ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યાના કલાકો પછી અયોધ્યા એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટ લેન્ડ થઇ હતી. અયોધ્યા પહોંચવા માટે ઈન્ડિગોની ફ્લાઈટે દિલ્હીથી ટેકઓફ લીધુ હતું. ફ્લાઈટના કેપ્ટને ખાસ જાહેરાત કરી અને ટેક ઓફ પહેલા મુસાફરોનું સ્વાગત કર્યું હતું.
ફ્લાઈટના કેપ્ટન આશુતોષ શેખરે કહ્યું હતું કે, “મારા માટે ગર્વની વાત છે કે ઈન્ડિગોએ મને આ મહત્વની ફ્લાઈટની કમાન્ડ આપી છે. ઈન્ડિગો અને અમારા માટે આ આનંદની વાત છે. અમને આશા છે કે અમારી સાથેની તમારી સફર સલામત રહેશે. ” તેમણે તેમના કો-પાયલોટ કેબિન ઈન્ચાર્જનો મુસાફરો સાથે પરિચય પણ કરાવ્યો હતો અને કહ્યું હતું કે મુસાફરોને હવામાન-સંબંધિત અને ફ્લાઇટ-સંબંધિત અપડેટ્સ વિશે માહિતગાર કરવામાં આવશે.
ફ્લાઈટ કેપ્ટન શેખરે “જય શ્રી રામ” સાથે તેમની ઘોષણા સમાપ્ત કરી હતી અને મુસાફરોએ પણ તેમના સૂરમાં સૂર પુરાવ્યો હતો અને “જય શ્રી રામ” નો નારો લગાવ્યો હતો
ફ્લાઇટ ઉપડતા પહેલા એરપોર્ટ પર મુસાફરો અને સ્ટાફે કેક કાપી હતી. પ્લેનમાં ચડતી વખતે મુસાફરોએ ભગવા ધ્વજ પણ સાથે રાખ્યા હતા.
તમારી જાણ માટે કે અયોધ્યા એરપોર્ટને મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ કહેવામાં આવે છે, તેનું આજે પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદીએ અયોધ્યા રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આડે એક મહિના કરતા પણ ઓછો સમય બાકી છે ત્યારે મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.