નવા સંવતના શુભ મુહૂર્તે રોકાણકારોની સંપત્તિમાં દર સેક્ધડે ₹ ૬૨ કરોડનો ઉમેરો
નિલેશ વાઘેલા
મુંબઇ: વિશ્ર્વબજાર પાછળ નવા સંવતનો પ્રારંભ જોરદાર તેજી સાથે થયો છે. સંવત ૨૦૮૦ના મુહૂર્તના સોદામાં પ્રરંભિક તબક્કે જ સેન્સેક્સ ૩૩૧.૧૦ પોઇન્ટ અને નિફ્ટી ૧૦૦.૮૫ પોઇન્ટ ઊછળ્યો હતો.
સત્રને અંતે સેન્સેક્સમાં ૩૫૫ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી ૧૯,૫૦૦ની ઉપર બંધ થયો છે. નિફ્ટીના ૫૦માંથી ૨૪ શેર પોઝિટીવ ઝોનમાં પહોંચ્યા હતા. બજારના નિષ્ણાતો સંવત ૨૦૮૦માં તેજી માટે આશાવાદી છે અને માને છે કે દેશના મજબૂત અર્થતંત્રને જોતાં તેજી જળવાઇ રહેશે.
રોકાણકારોની જોરદાર લાવલાવ વચ્ચે શેરબજારના માનસમાં પણ જાણે દિવાળીનો માહોલ છવાયો હતો. સેન્સેક્સ ૩૫૪.૭૭ પોઇન્ટ અથવા તો ૦.૫૫ ટકાના ઉછાળા સાથે ૬૫,૨૫૯.૪૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૦૦.૨૦ પોઇન્ટ અથવા તો ૦.૫૨ ટકાના ઉછાળા સાથે ૧૯,૫૨૫.૫૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે.
બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ વધીને રૂ. ૩૨૨.૫૨ લાખ કરોડની સપાટીએ પહોંચ્યું છે. આમ ૬૦ મિનિટના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં પ્રારંભિક અંદાજ અનુસાર રૂ. ૨.૨૨ લાખ કરોડ ઉમેરાયા છે, જેનો અર્થ એ થયો કે રોકાણકારોની સંપત્તિમાં દર સેક્ધડે રૂ. ૬૨ કરોડનો વધારો થયો છે.
નાના શેરોમાં વધુ મોટી તેજી જોવા મળી હતી. નિફ્ટી સ્મોલકેપ-૧૦૦ ઇન્ડેક્સમાં ૧.૧૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ૦.૬૧ ટકા વધ્યો હતો. એનએસઇ પર સૌથી વ્યાપક પાયો ધરાવતો શેરઆંક નિફ્ટી-૫૦૦ ઇન્ડેક્સ ૦.૬૧ ટકા આગળ વધ્યો હતો.
તમામ ક્ષેત્રીય શેરઆંક પોઝિટીવ ઝોનમાં પહોંચ્યા છે. નિફ્ટી મીડિયા અને નિફ્ટી આઈટી સૌથી વધુ ૦.૭ ટકા વધ્યા હતા. નિફ્ટી ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને નિફ્ટી મેટલ અન્ય ટોપ ગેઇનર હતા.
નિફ્ટી ઈન્ડેક્સમાં લગભગ ત્રણ ટકાના જોરદાર ઉછાળા સાથે કોલ ઈન્ડિયા ટોપ ગેઇનર બન્યો હતો. યુપીએલ, ઇન્ફોસિસ, આઇશર મોટર્સ, વિપ્રો અને એનટીપીસી બે ટકા સુધી વધીને અન્ય ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ થયા હતા. બ્રિટાનિયા, એપોલો હોસ્પિટલ્સ, એલટીઆઈ માઇન્ડટ્રી, સન ફાર્મા નેગેટીવ ઝોનમાં બંધ થયા હતા.