જૂના, બિનજરૂરી ૭૬ કાયદા રદ
નવી દિલ્હી : સંસદે બુધવારે એક ઠરાવ મંજૂર કરીને ૭૬ જેટલા બિનજરૂરી અને કાળબાહ્ય થયેલા કાયદા રદ કર્યા હતા. સરકારે કહ્યું હતું કે આ જીવનને અને ધંધો કરવાનું સુગમકારી બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે. રાજ્યસભાએ રીપેલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ મૌખિક મતદાનથી ૨૦૨૩માં મંજૂર કર્યું હતું. લોકસભાએ ખરડો આ વર્ષના ૨૭ જુલાઈએ પસાર કર્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકારે આ ખરડો રજૂ કર્યો હતો, પરંતુ તેના પર પછીના સત્રમાં ચર્ચા થઈ શકી નહોેતી. સરકારે ત્યાર બાદ સુધારો લાવીને એમાં વધુ ૧૧ કાયદા ઉમેર્યા હતા, જેથી રદ કરવાના કાયદાની સંખ્યા ૭૬ની થઈ હતી.
ખરડામાં જમીનપ્રાપ્તી (ખાણ) કાયદો, ૧૮૮૫ અને ટેલિગ્રાફ વાયર (અનલોફુલ પઝોશન) કાયદો, ૧૯૫૦નો સમાવેશ થાય છે. ખરડામાં સંસદે તાજેતરમાં મંજૂર કરેલા અમુક એપ્રોપ્રિયેશન કાયદાનો સમાવેશ થાય છે.
ચર્ચામાં જવાબ આપતાં કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે ૨૦૧૪માં સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે જીવન સુધારવા ૧૪૬૮ જૂના કાયદા રદ કર્યા છે. આમાં ૭૬ વધુનો સમાવેશ થતાં આ સંખ્યા ૧,૫૬૨ની થઈ છે. (એજન્સી)