ઉત્તર પ્રદેશના આ બસપા સાંસદનું રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો
લોકસભા ચૂંટણી પહેલા દેશમાં રાજકીય હલચલ તેજથી ગઈ છે, એવામાં આજે ઉત્તરપ્રદેશના આંબેડકર નગરના બહુજન સમાજ પાર્ટી(BSP) સાંસદ રિતેશ પાંડેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. ઘણા સમયથી તેઓ પાર્ટી છોડે એવી અટકળો ચાલી રહી હતી. હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે.
ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળો વચ્ચે બીએસપી સાંસદ રિતેશ પાંડેએ આજે રવિવારે પાર્ટી છોડી દીધી હતી. બસપા પ્રમુખ માયાવતીને મોકલવામાં આવેલા પત્રમાં તેમણે કહ્યું કે લાંબા સમયથી તેમને પાર્ટીની બેઠકમાં બોલાવવામાં આવી રહ્યા નથી અને ન તો નેતૃત્વ સ્તરથી કોઈ વાતચીત થઈ રહી છે.
તેણે કહ્યું કે મેં તમારી અને વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વાત કરવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. પાર્ટીને હવે મારી સેવાઓની જરૂર નથી લાગતી. પાર્ટીથી અલગ થવાનો નિર્ણય ભાવનાત્મક રીતે મુશ્કેલ છે પરંતુ હવે બીજો કોઈ વિકલ્પ નથી. રિતેશે વિનંતી કરી હતી કે તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવે. રિતેશ પાંડેએ પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું છે. જેમાં તેમણે લોકસભા અને ઉત્તર પ્રદેશ વિધાનસભામાં બસપાનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવા બદલ માયાવતી અને પાર્ટીના નેતાઓનો આભાર પણ માન્યો છે. માર્ગદર્શન અને સહકાર બદલ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો છે.
નોંધનીય બાબત એ છે કે ગત 9 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પક્ષોના 8 સાંસદો સાથે લંચ લીધું હતું, તેમાં સાંસદ રિતેશ પાંડે પણ સામેલ હતા. વડા પ્રધાન મોદી સાથે લંચ કર્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર તેમના વખાણ પણ કર્યા હતા.
ગત વિધાનસભા ચૂંટણીમાં રિતેશના પિતા પૂર્વ સાંસદ રાકેશ પાંડે બસપા છોડીને સપામાં જોડાયા હતા. તેઓ સપાની ટિકિટ પર જલાલપોરથી વિધાનસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. આ ઘટના બાદ BSP ચીફ પણ રિતેશથી નારાજ થયા હતા.તેમને પાર્ટીના સંસદીય દળના નેતા પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. પરિણામ એ આવ્યું કે તેઓ પાર્ટીના કાર્યક્રમો વગેરેથી દૂર રહ્યા. હવે રિતેશ ભાજપમાં જોડાવાની અટકળો છે. હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને લંચ માટે આમંત્રણ આપ્યું હતું.