ઓડિશા કમોસમી વરસાદઃ સરકારે પાકને થયેલા નુકસાન અંગે કલેક્ટર પાસેથી માંગ્યો રિપોર્ટ

ભુવનેશ્વર/બેરહામપુરઃ ઓડિશા સરકારે અનેક જિલ્લાઓના કલેક્ટરોને રાજ્યમાં કમોસમી વરસાદને લીધે પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા અને વહેલામાં વહેલી તકે અહેવાલ જમા કરવા જણાવ્યું છે. આ જાણકારી એક પ્રધાને આપી હતી.
રાજ્યના ઘણા ભાગોમાં ડિપ્રેશનને કારણે ૨૦ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ થયો હતો. જેથી ઘણા દરિયાકાંઠાના અને આંતરિક જિલ્લાઓમાં ઊભા પાકને નુકસાન થયું હતું. રવિવારે મીડિયા સાથે વાત કરતા મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન સુરેશ પૂજારીએ જણાવ્યું કે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરને કમોસમી વરસાદને કારણે થયેલા પાકનું યોગ્ય આકલન કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સેફ્ટીઃ ઓડિશામાં ટાઈગર રિઝર્વ માટે ખાસ સશસ્ત્ર દળની ‘કંપની’ની સ્થાપના કરી…
તેમણે કહ્યું હતું કે વરસાદ ઓછો થયા બાદ ક્ષેત્ર સ્તરના મહેસૂલ અધિકારીઓ આકારણી કરશે. પ્રધાને અસરગ્રસ્ત ખેડૂતોને ખાતરી આપી કે રાજ્ય સરકાર પાકના નુકસાન માટે પૂરતું વળતર આપશે અને બાકીની ઉપજ વેચવામાં મદદ કરશે.
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અંગુલ, બાલાસોર, ભદ્રક, બૌધ, કટક, ઢેંકનાલ, દેવગઢ, ગજપતિ, ગંજમ, જગતસિંહપુર, જાજપુર, કંધમાલ, કેન્દ્રપાડા, કેઓંઝર, ખુર્દા, કોરાપુટ, મયુરભંજ, નવરંગપુર, નયાગઢ, પુરી અને રાયગડા જેવા કેટલાય દરિયાકાંઠાના અને અંતરિયાળ જિલ્લાઓમાં છેલ્લા બે દિવસમાં પાકને નુકસાન થયું છે.
ગંજમ જિલ્લા પ્રશાસને નુકસાનનું આકલન કરવાનું શરૂ કરી દીધું છે, તેથી તેણે હાલ પૂરતી ડાંગરની ખરીદી અટકાવી છે. અધિકારીઓ સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.