ઓડિશામાં એવું તે શું થયું કે 12 ધારાસભ્યોએ વિધાનસભાની બહાર રાત વિતાવવી પડી? જાણો વિગત

ભુવનેશ્વરઃ ઓડિશા વિધાનસભાના અધ્યક્ષ સુરમા પાઢીએ કૉંગ્રેસના 12 ધારાસભ્યોને ગૃહમાં અનુશાસનનું પાલન ન કરવા બદલ સાત દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. કૉંગ્રસના ધારાસભ્યો સામે આ કાર્યવાહી ગૃહમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યા બાદ કરી હતી. ધારાસભ્યોને માર્શલો દ્વારા ઊંચકીને બહાર લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં વિધાયક દળના નેતા રામચંદ્ર કાડમ ઘાયલ થયા હતા.
વિધાનસભામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા ધરણા કરી રહેલા કૉંગ્રેસના 12 ધારાસભ્યોને મધરાતે 2 વાગે બળજબરીથી વિધાનસભાની બહાર કરી દેવામાં આવ્યા હતા. જે બાદ તેમણે વિધાનસભા બહાર જ ધરણા કર્યા હતા. જેના કારણે ધારાસભ્ય તારા પ્રસાદ વાહિનીની તબિયત અચાનક ખરાબ થઈ હતી અને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કૉંગ્રેસના વરિષ્ઠ અને યુવા નેતા એક સાથે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કૉંગ્રેસના કાર્યકર્તાએ વિધાનસભા સામે જ ધરણાનો ધર્યા અને અધ્યક્ષના નિર્ણયનો વિરોધ કર્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિધાનસભા આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…ભૂપેશ બઘેલના ઘરે CBI ના દરોડા, પૂર્વ મુખ્ય પ્રધાને ટાઈમિંગ પર ઉઠાવ્યા સવાલ…
ઓડિશા કૉંગ્રેસના પ્રભારી અજય કુમાર લલ્લુએ કહ્યુ, દેશમાં મહિલા સુરક્ષાની વાત કરવી હવે ગુનો થઈ ગયો છે. ઓડિશામાં 64000થી વધારે મહિલાઓ લાપતા છે. દરરોજ ગેંગરેપ થાય છે. જો ચૂંટાયેલા ધારાસભ્યો સરકાર પાસે આ મુદ્દે જવાબ માંગે તો તેમાં ખોટું શું છે. અમારા 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા લોકતંત્રનું અપમાન છે. અમે ચૂપ નહીં બેસીએ. 27 માર્ચે વિધાનસભાનો ઘેરાવ કરીશું અને વિરોધ પ્રદર્શન કરીશું.