ઓડિશામાં દુ:ખદ માર્ગ અકસ્માત, ટ્રક પલટી જતાં પાંચ મજૂરોના મોત
મલકાનગિરીઃ ઓડિશામાં દુ:ખદ માર્ગ અકસ્માતના સમાચાર જાણવા મળ્યા છે. ટ્રક પલટી જતાં થયેલા આ અકસ્માતમાં પાંચ મજૂરોના મોત થયા છે. અહીં મલકાનગિરી જિલ્લામાં શનિવારે સિમેન્ટથી ગુણીઓથી ભરેલી ટ્રક પલટી ગઇ હતી. આ અકસ્માતમાં પાંચ મજૂરોના મોત થયા હતા. જ્યારે અન્ય સાત લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે સ્વાભિમાન અચલ વિસ્તારના હંતલાગુડા વિસ્તારમાં આ અકસ્માત ત્યારે થયો જ્યારે 12 મજૂરોને લઈને ટ્રક ચિત્રકોંડાથી જોદંબા તરફ જઈ રહી હતી. પોલીસ અને સ્થાનિક લોકોએ મળીને સિમેન્ટની થેલીઓ નીચે દટાયેલા મજૂરોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
જ્યારે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત કેવી રીતે થયો અને ટ્રક કેવી રીતે પલટી ગઇ તેની કોઇ જાણકારી હજી સુધી મળી નથી. અકસ્માત સમયે ટ્રકનો ડ્રાઇવર નશામાં હતો કે શું એ અંગે પણ હાલમાં કંઇ કહેવાનો પોલીસે ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે આ કેસની તપાસ હાલમાં ચાલુ છે. ટૂંક સમયમાં બધી માહિતી આપવામાં આવશે.