ઓડિશાની એક કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને ‘બીફ’ રાંધ્યું! ડીનએ કરી કડક કાર્યવાહી

ઓડિશાના બેરહામપુરમાં પરલા મહારાજા એન્જિનિયરિંગ કોલેજમાં બીફ રાંધવા બદલ સાત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે કોલેજ કેમ્પસમાં તણાવ વધી ગયો છે અને કોલેજ પરિસરમાં વધારાના પોલીસ કર્મચારીઓની તૈનાત કરવામાં આવ્યા છે.
સ્ટુડન્ટ વેલ્ફેર ડીપાર્ટમેન્ટના ડીને ગુરુવારે એક સૂચના દ્વારા જાહેરાત કરી હતી કે ‘પ્રતિબંધિત પ્રવૃત્તિઓ’માં વિદ્યાર્થીઓની સંડોવણીને કારણે હકાલપટ્ટી કરવામાં આવી છે. જો કે, આ પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં શેનો સમાવેશ થાય છે તે અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
એક રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાંકી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓમાંથી એક પર ₹2,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
કથિત રીતે બુધવારે રાત્રે વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં ‘બીફ’ રાંધ્યું હતું, કોઈએ આ અંગે ડીનને જાણ કરી હતી. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ પણ કોલેજની મુલાકાત લીધી હતી અને પ્રિન્સિપાલ સાથે મુલાકાત કરી હતી અને વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
આ પણ વાંચો : ઓડિશામાં ત્રણ અલગ અલગ અકસ્માતમાં છનાં મોત, 11 ઘાયલ
ડીનને કરવામાં આવેલી ફરિયાદ મુજબ “એક વિવિધતાસભર સમુદાય તરીકે, અમે બધા વિદ્યાર્થીઓના મૂલ્યો અને માન્યતાઓને માન આપવાનું મહત્વ સમજીએ છીએ. આ ઘટના અશાંતિનું કારણ બની શકે છે, જેના કારણે વાતાવરણ તંગ બન્યું છે. આ ઘટનામાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરું છુ.”
ફરિયાદને પગલે કોલેજ તંત્રએ આરોપોની તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે કોલેજ પરિસરમાં અમુક પ્રતિબંધિત પ્રવૃત્તિઓ થઇ રહી છે, જેના કારણે વિધાયેથીઓને હાંકી કાઢવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં, ઉત્તર પ્રદેશના અમરોહાનો એક વિડિયો વાયરલ થયો હતો, જેમાં શાળાના આચાર્યએ કથિત રીતે સાત વર્ષના વિદ્યાર્થીને શાળામાં “નોન-વેજ” ખોરાક લાવવા બદલ હાંકી કાઢ્યો હતો.