સેફ્ટીઃ ઓડિશામાં ટાઈગર રિઝર્વ માટે ખાસ સશસ્ત્ર દળની ‘કંપની’ની સ્થાપના કરી…
ભુવનેશ્વર: ઓડિશા સરકારે સિમિલીપાલ ટાઈગર રિઝર્વમાં વન્યપ્રાણી સંરક્ષણને મજબૂત કરવા માટે આર્મ્ડ પોલીસ રિઝર્વ (એપીઆર) દળની એક સમર્પિત કંપનીની સ્થાપના કરી છે, એમ ગૃહ વિભાગ દ્વારા એક સૂચનામાં જણાવાયું છે.
આ પણ વાંચો : Jaipur Tanker Blast:જયપુર- અજમેર હાઇવે દુર્ઘટનામાં અત્યાર સુધી ચારના મોત, 40 વાહનો બળીને ખાખ
વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ દ્વારા જારી કરાયેલ અન્ય સૂચનામાં જણાવ્યું હતું કે, વિવિધ કેટેગરીના ૧૩૧ કર્મચારી સાથે એપીઆર ફોર્સ સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરશે.
દળનું વહીવટી નિયંત્રણ મયુરભંજનાં એસપી હેઠળ રહેશે, જ્યારે ઓપરેશનલ કંટ્રોલ સિમિલીપાલ ટાઈગર રિઝર્વના ક્ષેત્ર નિર્દેશક અને સંયુક્ત ટાસ્ક ફોર્સ સાથે પરામર્શ કરીને સંચાલિત કરવામાં આવશે. આ દળનો હેતુ શિકાર વિરોધી પ્રયાસોને વેગ આપવાનો, વન્યજીવન અને વન સંસાધનોની સુરક્ષા અને અભયારણ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે, એમ ગૃહ વિભાગની સૂચનામાં જણાવાયું છે.
નવા દળમાં એક કમાન્ડન્ટ, એક ઈન્સ્પેક્ટર, ત્રણ સબ ઈન્સ્પેક્ટર, ત્રણ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ૩૦ હવાલદાર, ત્રણ ડ્રાઈવર હવાલદાર, ૮૭ કોન્સ્ટેબલ અને ત્રણ ડ્રાઈવરનો સમાવેશ થાય છે. “ઓડિશા સરકારે સિમિલીપાલ ટાઈગર રિઝર્વ, મયુરભંજમાં સુરક્ષા પગલાંને મજબૂત કરવા માટે સશસ્ત્ર પોલીસ કોન્સ્ટેબલરીની એક સમર્પિત કંપની બનાવી છે. સમગ્ર દેશમાં તે એક નવો પ્રયાસ છે,” એમ ભૂતપૂર્વ મુખ્ય વન સંરક્ષક સુસંત નંદાએ એક્સ પર પોસ્ટ કર્યું હતું.
આ પણ વાંચો : રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો: જાણો વિપક્ષે શું કર્યા હતા છબરડા?
આસામના કાઝીરંગા રાષ્ટ્રીય અભયારણ્યમાં એક શિંગડાવાળા ગેંડાના રક્ષણ માટે સ્પેશિયલ રાઈનો પ્રોટેક્શન ફોર્સ (એસઆરપીએફ) છે, જ્યારે ઓડિશામાં આ એકમ તેના પ્રકારનું પ્રથમ ગણાય છે જ્યાં એક સશસ્ત્ર પોલીસ કંપની ખાસ કરીને વન્યજીવોના રક્ષણ માટે બનાવવામાં આવી છે.