પહેલી ઓકટોબરથી બદલાઈ જશે આ નિયમો, જાણી લેશો તો ફાયદામાં રહેશો, પછી કહેતા નહીં કે…
ટૂંક સમયમાં જ સપ્ટેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ઓક્ટોબર મહિનો શરૂ થશે. દર મહિનાની પહેલી તારીખે અનેક મહત્વના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, જેની તમામ નાગરિકો પર અસર જોવા મળશે. પહેલી ઓકટોબરથી આવા જ કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેની અસર તમારા ખિસ્સા પર જોવા મળશે. ચાલો જોઈએ કયા છે આ મહત્વના નિયમો-
એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર…
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવી છે અને આ સુધારેલા ભાવ પહેલી ઓક્ટોબર, 2024ના રોજ સવારે 6 વાગ્યાથી જાહેર કરવામાં આવી શકે છે. નાગરિકો આ વખતે પણ તહેવારો ટાણે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની આશા સેવી રહ્યા છે.
આધારકાર્ડ સંબંધિત થશે આ મોટો ફેરફાર
પહેલી ઓક્ટોબર, 2024થી નાગરિકો પેન કાર્ડ કે પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશો નહીં. આવકવેરા કાયદાની કલમ 139AA હેઠળ, જો તમે આધાર મેળવવા માટે પાત્ર છો, તો પેનકાર્ડ અથવા આવકવેરા રિટર્ન માટે અરજી કરતી વખતે આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત રહેશે.
સ્મોલ સેવિંગ સ્કીમ માટે નવી ગાઈડલાઈન્સ
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે નેશનલ સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ હેઠળ ખોટી રીતે ખોલેલા ખાતાઓને નિયમિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ખોટી રીતે ખોલવામાં આવેલા PPF, સુકન્યા સમૃદ્ધિ જેવા ખાતાઓને મંત્રાલય દ્વારા નિયમિત કરવામાં આવશે. આ સાથે ખાતાધારકોને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે.
પોસ્ટ ઓફિસની સ્કીમના વ્યાજદરમાં થશે ફેરફાર
નાની બચત યોજનાઓ હેઠળ પહેલી ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નેશનલ સ્મોલ સેવિંગ્સ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવતા ખાતાઓના વ્યાજ દરોમાં ફેરફાર સેવિંગ્સ એકાઉન્ટ ધારકોની વ્યાજની આવકને અસર કરી શકે છે. તેથી, જો તમારું ખાતું પોસ્ટ ઓફિસમાં છે, તો તમારે આ ફેરફારો વિશે જાણી લેવું જોઈએ.
HDFC ક્રેડિટ કાર્ડના આ નિયમમાં પણ થશે ફેરફાર
પહેલી ઓક્ટોબરથી HDFC બેંકના ક્રેડિટ કાર્ડના લોયલ્ટી પ્રોગ્રામમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે. આ નવા નિયમ મુજબ એચડીએફસી બેંકે સ્માર્ટબાય પ્લેટફોર્મ પર એપલ ઉત્પાદનો માટે રિવાર્ડ પોઈન્ટના રિડેમ્પશનને કેલેન્ડર ક્વાર્ટર દીઠ એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કરી દીધા છે.