પયગમ્બર વિવાદ પછી અન્ડરગ્રાઉન્ડ થયેલી નૂપુર શર્મા આ ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં દેખાઇ
પયગમ્બર વિવાદ બાદ અંદાજે એક વર્ષથી વધુ સમય સુધી ગાયબ રહેલી ભારતીય જનતા પાર્ટીની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા તાજેતરમાં ધ વેક્સીન વોરની પ્રમોશનલ ઇવેન્ટમાં દેખાઇ હતી.
ફિલ્મના દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રી અને તમામ કલાકારોની ટીમ સાથે નૂપુર શર્મા ઇવેન્ટમાં ઉપસ્થિત હતી. નૂપુરે વેક્સીન બનાવનાર વૈજ્ઞાનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, તમારા કારણે જ અમે ભારતીયો જીવિત છીએ. તમારો હ્રદયથી આભાર. આ સાથે જ તેમણે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીનો પણ આમંત્રિત કરવા બદલ આભાર માન્યો હતો.
વિવેક અગ્નિહોત્રીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, હું ખૂબ જ ખુશ છુ કે, આપણે મહિલાઓ વિશે વાત કરી રહ્યા છીએ. મહિલાઓના સાહસ અને ભૂમિકાઓની વાત કરી રહ્યા છે, ત્યારે હું એક સાહસી મહિલાને બોલાવવા માંગુ છું જેઓ દુર્ભાવનાપૂર્ણ હેતુઓને કારણે પોતાના ઘરમાં કેદ રહ્યા બાદ પહેલી વાર જાહેરમાં આવ્યા છે. દર્શકોની વચ્ચે પાછળની હરોળમાં બેઠેલી નુપુર શર્મા પોતાના સ્થાન પરથી ઉભા થતા જ તાળીઓના ગડગડાટ વચ્ચે જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા અને નૂપુર શર્મા સ્ટેજ પર પહોંચ્યા હતા. વિવેક અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ વિજ્ઞાન પર છે અને હું તેને રાજકીય બનાવવા નથી માંગતો પરંતુ મેં તેમને સ્ટેજ પર એટલા માટે બોલાવ્યા કારણ કે ઘણી યુવતીઓ અને ભારતીયોની હિંમત વધશે.
ગત વર્ષે એક ટીવી ડિબેટ શો દરમિયાન નૂપુર શર્માએ ઇસ્લામ ધર્મના પયગમ્બર મોહમ્મદ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે પછી ત્યારબાદ તેમના વિરુદ્ધ ભારત સહિત વિશ્વના અનેક ઈસ્લામિક દેશોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયુ હતું. નૂપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી હતી. ભારે હોબાળાને પગલે તેમને ભાજપના પ્રવક્તા પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું અને ત્યાર પછીથી તેમણે જાહેર જીવનથી અંતર જાળવી રાખ્યું હતું.