મધ્ય પ્રદેશમાંથી વાઘને છત્તીસગઢ, રાજસ્થાન અને ઓડિશા મોકલાશેઃ એનટીસીએની મંજૂરી

ભોપાલ: નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) એ મધ્ય પ્રદેશમાંથી કેટલાક વાઘને છત્તીસગઢ, રાજસ્થાન અને ઓડિશામાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. વન્ય જીવ નિષ્ણાતોના મતે આ કવાયત અન્ય રાજ્યોમાં વાઘની વસ્તીને વધારવામાં મદદ કરશે. વર્ષ 2022ની વાઘની વસ્તી ગણતરી અનુસાર મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 785 વાઘ છે.
મધ્ય પ્રદેશના વાઇલ્ડલાઇફ પ્રિન્સિપલ ચીફ વન સંરક્ષક શુભરંજન સેને પીટીઆઈને જણાવ્યું હતું કે એનટીસીએની ટેકનિકલ સમિતિએ વાઘના સ્થાનાંતરણને મંજૂરી આપી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ ટ્રાન્સફરનું કામ શરૂ થશે.” તેમણે કહ્યું હતું કે ત્રણેય રાજ્યોએ ત્રણ વાઘ અને એક વાઘણની માંગણી કરી છે.
વન્યજીવ નિષ્ણાત અને વાઘ સંરક્ષણ માટે એક એનજીઓના સ્થાપક અજય દુબેએ પીટીઆઈને જણાવ્યું હતું કે વાઘના સ્થાનાંતરણથી તેમની વસ્તીની સંખ્યામાં સુધારો થશે. તેમણે કહ્યું કે રહેઠાણ માટે પસંદ કરાયેલા સ્થાનો વાઘ માટે સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે અત્યંત કાળજી લેવી જોઈએ.