જાણો કઈ તારીખથી બેંક અકાઉન્ટમાં એક નહીં ચાર નોમિની જોડી શકશો?

થોડા દિવસો પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા નાણા પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે અબજો રૂપિયા બેંક ખાતામાં પડી રહ્યા છે અને તેમના અસલી હકદારને શોધવાનું કામ બેંકોએ કરવાનું છે. બેંકમાં જેમનું ખાતું હોય તેમને જ વ્યવહાર કરવાની પરવાનગી હોવાથી જો કોઈનું મૃત્યુ થાય ત્યારે બેંક અને પરિવારજનો બન્ને મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. દરેક ખાતાધારકે ઓછામાં ઓછું એક નોમિનીનું નામ રાખવું જોઈએ, જેથી તેમના પૈસા કે અન્ય કિંમતી ચીજવસ્તુઓ જો બેંકના લોકરમાં પડી હોય તો તેમને મળી શકે. હવે આ સિસ્ટમને વધારે પારદર્શક અને સરળ બનાવવા માટે પહેલી નવેમ્બરથી બેંકે એક ફરેફાર કર્યો છે અને નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, ચાલો જાણીએ.
પહેલી નવેમ્બરથી ચાર નોમિની રાખી શકશો
બેંકિંગ સેક્ટર ક્લેમ સેટલમેન્ટનું કામ સરળતાથી કરી શકે તે માટે 1લી નવેમ્બર, 2025થી (1st November Rule Change) ખાતાધારક પોતાના અકાઉન્ટ માટે ચાર નોમિની રાખી શકશે.
નાણા મંત્રાલય અનુસાર નવી જોગવાઈઓ હેઠળ, બેંક ખાતાધારકોને તેમના ખાતા માટે ચાર નોમિની પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ નોમિની એક સાથે અથવા એક પછી એક પસંદ કરી શકાય. ખાતાધારક નક્કી કરી શકે છે કે બધા નોમિની એક સાથે અથવા અલગ અલગ રીતે તેમના ખાતાના હકદાર બની શકે છે. જો સિરિયલવાઈઝ નોમિનેશન હશે તો તેનો અર્થ એ સમજવાનો કે પહેલો નોમિની ન હોય તો બીજો એ રીતે ક્રમવાર ક્લેઈમ કરી શકશે.
બેંક ખાતાઓમાં નોમિની ઉમેરવાના નિયમોમાં આ ફેરફાર બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ કરવામાં આવ્યો છે. તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અધિનિયમ, 1934 અને બેંકિંગ રેગ્યુલેશન અધિનિયમ, 1949 સહિત મુખ્ય નાણાકીય કાયદાઓમાં 19 સુધારા રજૂ કરે છે.
અહેવાલ મુજબ, લોકર અથવા સેફ ડિપોઝિટમાં રાખવામાં આવેલી વસ્તુઓ માટે ફક્ત ક્રમવાર નોમિનેશનની મંજૂરી આપવામાં આવશે. ખાતાધારકને ચાર નોમિની પસંદ કરવાની અને તેમનો હિસ્સો નક્કી કરવાની સ્વતંત્રતા હશે, જે કુલ 100% હશે.
આપણ વાંચો: 11 વર્ષથી મહારાષ્ટ્રના આ ગામમાં દિવાળીમાં નથી ફૂટ્યો એક પણ ફટાકડો, કારણ જાણીને તમે પણ…



