Unwanted Marketing Callsથી હવે મળશે છુટકારો, સરકારે લીધું મોટું પગલું, બધું જાણો એક ક્લિક પર…

મુંબઈઃ જો તમે પણ માર્કેટિંગ કંપનીના આવી રહેલાં વણજોઈતા અને ત્રાસદાયક ફોન કોલ્સથી કંટાળી ગયા હોવ તો ટૂંક સમયમાં જ તમને આ સમસ્યામાંથી છુટકારો મળવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા યુઝર્સને આવા ત્રાસદાયક ફોન કોલ્સ તેમ જ સ્કેમર્સથી બચાવવા માટે એક મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે.
સરકારની યોજના અનુસાર ટૂંક સમયમાં જ આવા લોકોના નંબર 160થી શરૂ થવા જઈ રહ્યા છે. સતત વધતા જઈ રહેલાં સ્કેમને રોકવા માટે સરકાર અલગ અલગ પગલાં લઈ રહી છે અને આ પગલાંના ભાગરૂપે જ આ નિર્ણય લેવાયો છે. ટૂંક સમયમાં જ ટેલિકોમ વિભાગ દ્વારા નંબરની નવી સિરીઝ જાહેર કરવામાં આવશે. જાહેર કરવામાં આવનારી આ નવી સિરીઝ નોર્મલ નંબર કરતાં એકદમ અલગ હશે. સતત વધી રહેલાં ફ્રોડ તેમ જ વણજોઈતા ફોન કોલ્સને રોકવા માટે આ 160 પ્રી-ફિક્સથી શરૂ થતા નંબર જારી કરાશે.
આ નંબર સરકારી કોલ્સ, રેગ્યુલેટર અને ફાઈનાન્શિયલ ઈન્ટિટીઝ માટે રહેશે, જેની શરુઆત 160ABCXXXથી થશે. આ નવી સિરીઝમાં 160 બાદ આવતું AB એ ટેલિકોમ સર્કલનો કોડ હશે. દાખલા તરીકે જેમ જેમ દિલ્હી માટે 11 અને મુંબઈ માટે 22 નંબરનો કોડ નક્કી કરવામાં આવ્યો છે એ રીતે બાકીના ટેલિકોમ સર્કલનો કોડ રહેશે. જ્યારે C ટેલિકોમ ઓપરેટરનો કોડ હશે અને XXXમાં 0થી 9 સુધીના નંબર હશે
સરકાર દ્વારા જાહેર કરવામાં આવનારા આ નવા સીરિઝ વાળા નંબર RBI, SEBI, PERDA અને IRDA જેવા ઓથોરિટીઝના નંબર 160ABCXXX ફોર્મેટમાં રહેશે. આ નંબરને ખૂબ જ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે જેથી લોકો ખૂબ જ સરળતાથી ઓળખી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આ પગલું સ્કેમ અને ફ્રોડને રોકવા માટે લેવામાં આવ્યું છે. છેલ્લાં કેટલાક સમયથી ફોનની મદદથી થતાં ગુનાઓના પ્રમાણમાં તેમ જ યુઝર્સને વારંવાર આવી રહેલાં માર્કેટિંગ કોલ્સને કારણે પરેશાનીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના સમાધાનરૂપે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.